________________ 238 તે પૂર્ણ પદને જ્ઞાનીઓ પરમ પ્રેમથી ઉપાસે છે. મુંબઈ, ચૈત્ર વદ 3, રવિ, 1947 તે પૂર્ણ પદને જ્ઞાનીઓ પરમ પ્રેમથી ઉપાસે છે. ચારેક દિવસ પહેલાં આપનું પત્ર મળ્યું. પરમ સ્વરૂપના અનુગ્રહથી અત્ર સમાધિ છે. આપની ઇચ્છા સવૃત્તિઓ થવા રહે છે, એ વાંચી વારંવાર આનંદ થાય છે. ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને ‘સત’ પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવાં પરમ દુર્લભ છે; અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એવો ‘સત્સંગ' તે પ્રાપ્ત થવો એ તો પરમ પરમ દુર્લભ છે. મોટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તો એ છે કે “સત્સંગ'નો જોગ થવો જીવને બહુ કઠણ છે; અને એમ હોવાથી કાળને પણ કઠણ કહ્યો છે. માયામય અગ્નિથી ચૌદ રાજલોક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે, અને તેથી જીવ પણ તે ત્રિવિધતાપ-અગ્નિથી બન્યા કરે છે, તેને પરમ કારુણ્યમૂર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે; તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિંતના રાખવી. ‘સત’ને વિષે પ્રીતિ, ‘સ'રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તકો અને વૈરાગી, સરળ ચિત્તવાળાં મનુષ્યનો સંગ અને પોતાની ચિત્તશુદ્ધિ એ સારાં કારણો છે. એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે. અત્ર સમાધિ છે.