________________ 231 મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદભુત અને સર્વોત્કૃષ્ટ હતી મુંબઈ, ચૈત્ર સુદ 7, બુધ, 1947 મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી. સ્વપ્ન પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી, તેમ કર્યા સિવાય જોકે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્રયાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે; અને એ જ એમનું સબળ માહાભ્ય છે. પરમાત્માએ એમના ‘પરચા’ પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઇચ્છા ન હોય, અને તેવી ઇચ્છા હોય તો રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિઃસ્પૃહ નહીં હો, (નહીં થાઓ) ત્યાં સુધી વિટંબના જ છે.