________________ 215 એ પ્રશ્નો એવાં પારમાર્થિક છે કે મુમુક્ષુ પુરુષે તેનો પરિચય કરવો જોઈએ મુંબઈ, ફાગણ સુદ 8, 1947 આપનું કૃપાપાત્ર પ્રાપ્ત થયું, એમાં કરેલાં પ્રશ્નોનો સવિગત ઉત્તર બનતાં સુધી તરતમાં લખીશ. એ પ્રશ્નો એવાં પારમાર્થિક છે કે મુમુક્ષુ પુરુષે તેનો પરિચય કરવો જોઈએ. હજારો પુસ્તકોના પાઠીને પણ એવા પ્રશ્નો ઊગે નહીં, એમ અમે ધારીએ છીએ; તેમાં પણ પ્રથમ લખેલું પ્રશ્ન (જગતના સ્વરૂપમાં મતાંતર કાં છે ?) તો જ્ઞાનીપુરુષ અથવા તેની આજ્ઞાને અનુસરનારો પુરુષ જ ઉગાડી શકે. અત્ર મનમાનતી નિવૃત્તિ નથી રહેતી; જેથી એવી જ્ઞાનવાર્તા લખવામાં જરા વિલંબ કરવાની જરૂર થાય છે. છેલ્લું પ્રશ્ન અમારા વનવાસનું પૂછ્યું છે, એ પણ જ્ઞાનીની જ અંતવૃત્તિ જાણનાર પુરુષ વિના કોઈકથી જ પૂછી શકાય તેવું પ્રશ્ન છે. આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય, તો તેમાંના આપ એક છો. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જિવાય છે.