________________ 208 પદાર્થનો નિર્ણય નય વાટે અશક્ય - મુંબઈ, માહ વદ 0)), 1947 અનંતા નય છે; એકેક પદાર્થ અનંત ગુણથી, અને અનંત ધર્મથી યુક્ત છે; એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે નય પરિણમે છે, માટે એ વાટે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં, એની વાટ કોઈ બીજી હોવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષો જ જાણે છે, અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે; જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કોઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સમત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો ‘નયનો આગ્રહ કરે છે, અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કોઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો; કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મટ્યો છે, તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઇચ્છા કરતો નથી.