________________ 204 અમારી પ્રસન્નતા મારા ઉપર નથી - પરમાર્થ માટે પરિપૂર્ણ ઇચ્છા - ગુપ્ત દશાએ રહેવું પ્રિય મુંબઈ, માહ વદ 7, ભોમ, 1947 અત્ર પરમાનંદ વૃત્તિ છે. આપનું ભક્તિ-ભરિત પત્ર આજે પ્રાપ્ત થયું. આપને મારા પ્રત્યે પરમોલ્લાસ આવે છે; અને વારંવાર તે વિષે આપ પ્રસન્નતા પ્રગટ કરો છો; પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી, કારણ કે જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તાતું નથી, અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. પરમાર્થ માટે પરિપૂર્ણ ઇચ્છા છે; પણ ઈશ્વરેચ્છાની હજુ તેમાં સમ્મતિ થઈ નથી, ત્યાં સુધી મારા વિષે અંતરમાં સમજી રાખજો, અને ગમે તેવા મુમુક્ષુઓને પણ કંઈ નામપૂર્વક જણાવશો નહીં. હાલ એવી દશાએ રહેવું અમને વહાલું છે. ખંભાત આપે પતું લખી મારું માહાભ્ય પ્રગટ કર્યું પણ તેમ હાલ થવું જોઈતું નથી, તે બધા મુમુક્ષુ છે. સાચાને કેટલીક રીતે ઓળખે છે, તોપણ તે પ્રત્યે હાલ પ્રગટ થઈ પ્રતિબંધ કરવો મને યોગ્ય નથી લાગતો. આપ પ્રસંગોપાત્ત તેમને જ્ઞાનકથા લખશો, તો એક પ્રતિબંધ મને ઓછો થશે. અને એમ કરવાનું પરિણામ સારું છે. અમે તો આપના સમાગમને ઇચ્છીએ છીએ. ઘણી વાતો અંતરમાં ઘૂમે છે પણ લખી શકાતી નથી.