________________ સત્સંગની અત્ર ખામી છે, અને વિકટ વાસમાં નિવાસ છે. હરિઇચ્છાએ હર્યા ફર્યાની વૃત્તિ છે. એટલે કંઈ ખેદ તો નથી, પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી; એ ચિંતના નિરંતર રહ્યા કરે છે. ભૂધર એક આજે કાગળ આપી ગયા. તેમ જ આપનું પરભારું એક પતૃ મળ્યું. મણિને મોકલેલી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. સંતનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશયો છે. જો મણિ? એક જ વૃત્તિએ એ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે, તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. માયાનો મોહ મણિ વિશેષ રાખે છે, કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મણિને મારી વિનંતિ છે. આપને જે પૂર્ણપદોપદેશક કક્કો કે પદ મોકલવા ઇચ્છા છે, તે કેવા ઢાળમાં અથવા રાગમાં, તે માટે આપને યોગ્ય લાગે તે જણાવશો. ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. વિશેષ કંઈ લખ્યું જતું નથી, પરમાનંદ છે, પણ અસત્સંગ છે અર્થાત સત્સંગ નથી. વિશેષ આપની કૃપાદ્રષ્ટિ એ જ. વિ. આજ્ઞાંકિતના દંડવત 1 જુઓ આંક 200. 2 મણિલાલ-તે શ્રી સૌભાગ્યભાઇના પુત્ર.