________________ 199 મનુષ્યત્વના સફળપણા માટે શું કરવું? - ધર્મને રૂપે મિથ્યા વાસનાઓ મુંબઈ, માહ સુદ 11, ગુરૂ, 1947 ઉપાધિના યોગને લીધે શાસ્ત્રવાંચન જો ન થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ રાખવાનું સ્મરણ રાખજો. જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે ? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે; એ મહા લક્ષ રાખી તેવી મિથ્યાવાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખશો.