________________ 192 આત્મસાધનરૂપ વૃત્તિ - કબીરનું પદ - કરના ફકીરી ક્યા દિલગીરી - નિષ્કારણ પરમાર્થ વૃત્તિ મુંબઈ, પોષ સુદ 14, શુક્ર, 1947 આયુષ્યમાન ભાઈ, આજે તમારું પત્ર 1 મળ્યું. તમને કોઈ પણ પ્રકારે પૂર્વાપર ધર્મપ્રાપ્તિ અસુલભ થાય એમ કરીને કંઈ પણ ન કરવા આજ્ઞા હતી; તેમ જ છેવટના પત્તામાં જણાવ્યું હતું કે હાલ એ વિષે કશી તજવીજ કરશો નહીં. જો જરૂર પડશે તો જેમ તમને પૂર્વાપર અસમાધિ નહીં થાય તેમ તે સંબંધી કરવા લખીશ. આ વાક્ય યથાયોગ્ય સમજાયું હશે. તથાપિ કંઈ ભક્તિદશાનુયોગે એમ કર્યું જણાય છે. કદાપિ તમે એટલું પણ ન કર્યું હોત તો અત્ર આનંદ જ હતો. પ્રાયે એવા પ્રસંગમાં પણ બીજા પ્રાણીને દુભાવવાનું ન થતું હોય તો આનંદ જ રહે છે. એ વૃત્તિ મોક્ષાભિલાષીને તો બહુ ઉપયોગી છે, આત્મસાધનરૂપ સને સતરૂપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની નિરંતર હતી એવા મહાભાગ્ય કબીરનું એક પદ એ વિષે સ્મરણ કરવા જેવું છે. અહીં એક તેની સાથેની ટૂંક લખી છે : “કરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મન રહેના જી.” એ વૃત્તિ મુમુક્ષઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થચિંતા હોય એ વિષય જુદો છે; વ્યવહારચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. તમે આ વેળા જે કંઈ મારા પ્રત્યે કર્યું છે, તે એક જુદો જ વિષય છે; તથાપિ વિજ્ઞાપન છે કે કોઈ પણ પ્રકારે તમને અસમાધિરૂપ જેવું જણાય ત્યારે એ વિષય પરત્વે અત્ર લખી વાળવું, એટલે યોગ્ય વ્યવસ્થા કરવાનો બનતો પ્રયાસ થશે. હવે એ વિષયને એટલેથી અહીં મૂકી દઉં છું. અમારી વૃત્તિ જે કરવા ઇચ્છે છે, તે નિષ્કારણ પરમાર્થ છે, એ વિષે વારંવાર જાણી શક્યા છો; તથાપિ કંઈ સમવાય કારણની ન્યૂનતાને લીધે હાલ તો તેમ કંઈ અધિક કરી શકાતું નથી. માટે ભલામણ છે કે અમે હાલ કંઈ પરમાર્થજ્ઞાની છીએ અથવા સમર્થ છીએ એવું કથન કીર્તિત કરશો નહીં. કારણ કે એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ જેવું છે. તમે જેઓ સમજ્યા છો, તેઓ માર્ગને સાધ્ય કરવા નિરંતર સપુરુષનાં ચરિત્રનું મનન રાખજો. તે વિષય પ્રસંગે અમને પૂછજો. સાસ્ત્રને અને સત્કથાને તેમ જ સદવ્રતને સેવજો.