________________ 487 બુધવારે એક પત્ર લખીશું, નહીં તો રવિવારે સવિગત પત્ર લખીશું મુંબઈ, ફાગણ સુદ 11, રવિ, 1950 બુધવારે એક પત્ર લખીશું, નહીં તો રવિવારે સવિગત પત્ર લખીશું, એમ જણાવ્યું હતું. તે જણાવતી વખતે ચિત્તમાં એમ હતું કે તમ મુમુક્ષુઓને કંઈ નિયમ જેવું સ્વસ્થપણું થવું ઘટે છે, અને તે વિષે કંઈ લખવાનું સૂઝે તો લખવું એમ આવ્યું હતું. લખવાનું કરતાં એમ થયું કે જે કંઈ લખવામાં આવે છે તે સત્સંગ-પ્રસંગમાં વિસ્તારથી કહેવા યોગ્ય છે, અને તે કંઈ ફળરૂપ થવા યોગ્ય છે. લખવામાં જે વિસ્તાર આવ્યાથી તમને સમજી શકવાનું થાય, તેટલું લખવાનું હમણાં થઈ શકે તેવો આ વ્યવસાય નથી, અને જે વ્યવસાય છે તે પ્રારબ્ધરૂપ હોવાથી તે પ્રમાણે વર્તવું થાય છે. એટલે તેમાં વિશેષ બળ કરી લખવાનું થઈ શકવું મુશ્કેલ છે. માટે તે ક્રમે કરી જણાવવાનું ચિત્ત રહે છે. આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે, કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધકર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતાં નથી, અને અભોગવ્ય નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઇચ્છા નથી. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાંક કર્મ છે, કે જે ભોગવ્યે જ નિવૃત્ત થાય, અર્થાત્ તે પ્રારબ્ધ જેવાં હોય છે, તથાપિ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે, અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે, માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિરૂપે જ ઉદય આવે. જેમ શ્રી કૃષ્ણાદિક જ્ઞાનીપુરુષ, કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાનદશા હતી, જેમ ગૃહઅવસ્થામાં શ્રી તીર્થકર. એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવ્યાથી સંભવે છે. કેટલીક પ્રારબ્ધસ્થિતિ એવી છે કે જે જ્ઞાની પુરુષને વિષે તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય, અને તે માટે થઈ જ્ઞાની પુરુષો ઘણું કરી જડમૌનદશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે; તથાપિ પ્રારબ્ધવશાત તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે, તો પછી તે જ્ઞાની પુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાનો હેતુ થતો નથી.