________________ 182 નિર્વાણમાર્ગની ઇચ્છા વિરલ - આપણો જન્મ કારણયુક્ત મુંબઈ, માગશર સુદ 13, બુધ, 1947 આપનું કૃપાપત્ર ગઈ કાલે મલ્યું. વાંચી પરમ સંતોષ પ્રાપ્ત થયો. આપ હૃદયના જે જે ઉગાર દર્શાવો છો; તે તે વાંચી આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે. આપ પણ જાણો છો કે આ કાળમાં મનુષ્યોનાં મન માયિક સંપત્તિની ઇચ્છાવાળાં થઈ ગયાં છે. કોઈક વિરલ મનુષ્ય નિર્વાણમાર્ગની દ્રઢ ઇચ્છાવાળું રહ્યું સંભવે છે, અથવા કોઈકને જ તે ઇચ્છા સપુરુષનાં ચરણસેવન વડે પ્રાપ્ત થાય તેવું છે. મહાંધકારવાળા આ કાળમાં આપણો જન્મ એ કંઈક કારણ યુક્ત હશે જ, એ નિઃશંક છે; પણ શું કરવું, તે સંપૂર્ણ તો તે સુઝાડે ત્યારે બને તેવું છે. વિ. રાયચંદ