________________ 173 અપૂર્વ હિતનો આપનાર - માર્ગના મર્મનો આપનાર - યોગ્યતા હશે તો બીજો પુરુષ શોધવો નહીં પડે મુંબઈ, કારતક વદ 3, શનિ, 1947 જિજ્ઞાસુ ભાઈ, તમારું પ્રથમ એક પત્ર મળ્યું હતું, જેનો ઉત્તર અંબાલાલના પત્રથી લખ્યો હતો. તે તમને મળ્યો હશે. નહીં તો તેમની પાસેથી તે પત્ર મંગાવી લઈ અવલોકન કરશો. સમય મેળવીને કોઈ કોઈ અપૂર્વ સાધનનું કારણ થાય, તેવું પ્રશ્ન કરવાનું બને તો કરતા રહેશો. તમે જે જે જિજ્ઞાસુઓ છો, તે તે પ્રતિદિન અમુક વખતે, અમુક ઘડી સુધી ધર્મકથાર્થે મળવાનું રાખતા હો તો પરિણામે તે લાભનું કારણ થશે. ઇચ્છા થશે તો કોઈ વેળા નિત્ય નિયમ માટે જણાવીશ. હમણાં નિત્ય નિયમમાં સાથે મળીને એકાદ સારા ગ્રંથનું અવલોકન કરતા હો તો સારું. એ વિષે કંઈ પૂછશો તો અનુકૂળતા પ્રમાણે ઉત્તર આપીશ. અંબાલાલ આગળ લખેલા પત્રોનું પુસ્તક છે. તેમાંનો કેટલોક ભાગ ઉલ્લાસી સમયમાં અવલોકન કરવામાં મારા તરફથી કંઈ હવે તમને અસમતિ નથી, માટે તેઓ પાસેથી સમય પરત્વે મંગાવી લઈ અવલોકન કરશો. દ્રઢ વિશ્વાસથી માનજો કે આ-ને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. પ્રવૃત્તિ છે તો તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. હજુ તેને વિલંબ હશે. પંચમકાળની પણ પ્રવૃત્તિ છે. આ ભવે મોક્ષે જાય એવાં મનુષ્યોનો સંભવ પણ ઓછો છે. ઇત્યાદિક કારણોથી એમ જ થયું હશે. તો તે માટે કંઈ ખેદ નથી. તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઇચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો (એક અંબાલાલ સિવાય) કોઈ અંશ જણાવ્યો નથી, અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યોગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે. અંબાલાલનું હાલ પત્ર નથી. લખવા કહો. વિ. રાયચંદના ય૦