________________ 159 તે અચિંત્યમૂર્તિ હરિને નમસ્કાર પરમ પ્રેમસ્વરૂપ આનંદમૂર્તિ આનંદ જ જેનું સ્વરૂપ છે એવા શ્રીમાન હરિના ચરણકમળની અનન્ય ભક્તિ અમો ઇચ્છીએ છીએ. વારંવાર અને અસંખ્ય પ્રકારે અમોએ વિચાર કર્યો કે શી રીતે અમે સમાધિરૂપ હોઈએ ? તો તે વિચારનો છેવટે નિર્ણય થયો કે સર્વરૂપે એક શ્રી હરિ જ છે એમ તારે નિશ્ચય કરવો જ. સર્વત્ર આનંદરૂપ સત્ છે. વ્યાપક એવા શ્રી હરિ નિરાકાર માનીએ છીએ અને કેવળ તે સર્વના બીજભૂત એવા અક્ષરધામને વિષે શ્રી પુરુષોત્તમ સાકાર સુશોભિત છે. કેવળ તે આનંદની જ મૂર્તિ છે. સર્વ સત્તાની બીજભૂત તે શાશ્વત મૂર્તિને ફરી ફરી અમે જોવા તલસીએ છીએ. અનંત પ્રદેશભૂત એવું તે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ રોમે રોમે અનંત બ્રહ્માંડાત્મક સત્તાએ ભર્યું છે, એમ નિશ્ચય છે, એમ દ્રઢ કરું છું. આ સૃષ્ટિ પહેલાં તે શ્રીમાન પુરુષોત્તમ એક જ હતા અને તે પોતાની ઇચ્છાથી જગતરૂપે થયેલ છે. બીજભૂત એવા તે શ્રીમાન પરમાત્મા આવી મહા વિસ્તાર સ્થિતિમાં આવે છે. સર્વત્ર ભરપૂર એવો અમૃતરસ તે બીજને વૃક્ષ સમ થવામાં શ્રી હરિ પ્રેરે છે. સર્વ પ્રકારે તે અમૃતરસ તે શ્રી પુરુષોત્તમની ઇચ્છારૂપ નિયતિને અનુસરે છે કારણ કે તે તે જ છે. અનંતકાળે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે. ઉત્પત્તિ પ્રથમ બંધ મોક્ષ કાંઈ હતુંયે નહીં અને અનંત લય પછી હશે પણ નહીં. હરિ એમ ઇચ્છે જ છે કે એક એવો હું બહરૂપે હોઉં અને તેમ હોય છે.