________________ ૧૫ર સર્વાર્થસિદ્ધની જ વાત- કબીર-મૂળપદનું અતિશય સ્મરણ-કેવળજ્ઞાન હવે પામશું” વવાણિયા, આસો સુદ 11, શુક્ર, 1946 આજે આપનું કૃપાપત્ર મળ્યું. સાથે પદ મળ્યું. સર્વાર્થસિદ્ધની જ વાત છે. જૈનમાં એમ કહે છે કે સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી બાર યોજન દૂર મુક્તિશિલા છે. કબીર પણ ધ્વજાથી આનંદ આનંદ પામી ગયા છે. તે પદ વાંચી પરમાનંદ થયો. પ્રભાતમાં વહેલો ઊઠ્યો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું, અને મૂળપદનું અતિશય સ્મરણ થયું; એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય ? દિવસના બાર બજ્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તો તેવો ને તેવો જ છે. પરંતુ બીજી વાર્તા (જ્ઞાનની) કરવામાં ત્યાર પછીનો કાળક્ષેપ કર્યો. “કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશું, પામશું રે કે " એવું એક પદ કર્યું. હૃદય બહુ આનંદમાં છે.