________________ 131 પ્રત્યાખ્યાન, જ્ઞાનની સાધનભૂત ક્રિયા, જ્ઞાન વિના દુઃપ્રત્યાખ્યાન જેતપર (મોરબી), પ્ર.ભા. વદ 5, બુધ, 1946 ધર્મેચ્છક ભાઈઓ, ભગવતીસૂત્રના પાઠ સંબંધમાં બન્નેના અર્થ મને તો ઠીક જ લાગે છે. બાળજીવોની અપેક્ષાએ ટબાના લેખકે ભરેલો અર્થ હિતકારક છે; મુમુક્ષુને માટે તમે કલ્પેલો અર્થ હિતકારક છે; સંતોને માટે બન્ને હિતકારક છે; જ્ઞાનમાં મનુષ્યો પ્રયત્ન કરે એટલા માટે એ સ્થળે પ્રત્યાખ્યાનને દુઃપ્રત્યાખ્યાન કહેવાની અપેક્ષા છે. યથાયોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જો ન થઈ હોય તો જે પ્રત્યાખ્યાન કર્યા હોય તે દેવાદિક ગતિ આપી સંસારનાં જ અંગભૂત થાય છે. એ માટે તેને દુઃપ્રત્યાખ્યાન કહ્યા; પણ એ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવાં એમ કહેવાનો હેતુ તીર્થકર દેવનો છે જ નહીં. પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે, ઊંચ ગોત્ર અને આર્યદેશમાં જન્મ મળે છે. તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઈએ છે. વિ. રાયચંદના યથોચિત. 1 શ્રી ભગવતીસૂત્ર, શતક 7, ઉદ્દેશક બીજો.