________________ 115 ઉપાધિની પ્રબળતામાં ઉદાસીન ભાવે પ્રવૃત્તિ યોગની અપેક્ષાએ આત્મારંભી, પરારંભી, ઉભયારંભી વીતરાગના ઉપદેશમાં પરાયણ રહો મુંબઈ, અષાડ સુદ 5, રવિ, 1946 ધર્મ ઇચ્છક ભાઈશ્રી, તમારાં બન્ને પત્તાં મલ્યાં. વાંચી સંતોષ પામ્યો. ઉપાધિનું પ્રબળ વિશેષ રહે છે. જીવનકાળમાં એવો કોઈ યોગ આવવાનો નિર્મિત હોય ત્યાં મૌનપણે - ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે. ભગવતીજીના પાઠ સંબંધમાં ટૂંકો ખુલાસો નીચે આપ્યો છે. सुह जोगं पडुच्चं अणारंभी, असुहजोगं पडुच्चं आयारंभी, परारंभी, तदुभयारंभी. શુભ યોગની અપેક્ષાએ અનારંભી, અશુભયોગની અપેક્ષાએ આત્મારંભી, પરારંભી, તદુભયારંભી (આત્મારંભી અને પરારંભી) અહીં શુભનો અર્થ પરિણામિક શુભથી લેવો જોઈએ, એમ મારી દ્રષ્ટિ છે. પરિણામિક એટલે જે પરિણામે શુભ વા જેવું હતું તેવું રહેવું છે તે. અહીં યોગનો અર્થ મન, વચન અને કાયા છે. શાસ્ત્રકારનો એ વ્યાખ્યાન આપવાનો મુખ્ય હેતુ યથાર્થ દર્શાવવાનો અને શુભ યોગમાં પ્રવૃત્તિ કરાવવાનો છે. પાઠમાં બોધ ઘણો સુંદર છે. તમે મારા મેળાપને ઇચ્છો છો; પણ આ કંઈ અનુચિત કાળ ઉદય આવ્યો છે. એટલે તમને મેળાપમાં પણ હું શ્રેયસ્કર નીવડું એવી થોડી જ આશા છે. યથાર્થ ઉપદેશ જેમણે કર્યો છે, એવા વીતરાગના ઉપદેશમાં પરાયણ રહો, એ મારી વિનયપૂર્વક તમને બન્ને મોહાધીન એવો મારો આત્મા બાહ્યોપાધિથી કેટલે પ્રકારે ઘેરાયો છે તે તમે જાણો છો, એટલે અધિક શું લખું ? હાલ તો તમે જ તમારાથી ધર્મશિક્ષા લો. યોગ્ય પાત્ર થાઓ. હું પણ યોગ્ય પાત્ર થાઉં. આગળ વધારે જોઈશું. વિ. રાયચંદના પ્રણામ.