________________ 113 ગૃહાશ્રમ મધ્યમ - તત્ત્વજ્ઞાનની ગુફાનું દર્શન - તત્ત્વજ્ઞાનનો વિવેક - વિવેકને આવરણ - અસમાધિથી ન વર્તવા પ્રતિજ્ઞા મુંબઈ, વૈશાખ વદ 12, 1946 સુજ્ઞ ભાઈશ્રી, આજે આપનું એક પત્ર મળ્યું. અત્ર સમય અનુકૂળ છે. તે ભણીની સમયકુશળતા ઇચ્છું છું. આપને જે પત્ર પાઠવવું મારી ઇચ્છામાં હતું, તે પત્ર અધિક વિસ્તારથી લખવાની અવશ્ય હોવાથી, તેમ જ તેમ કરવાથી તેનું ઉપયોગીપણું પણ અધિક ઠરતું હોવાથી, તેમ કરવા ઇચ્છા હતી, અને હજુ પણ છે. તથાપિ કાર્યોપાધિનું એવું સબળ રૂપ છે કે એટલો શાંત અવકાશ મળી શકતો નથી, મળી શક્યો નહીં, અને હજુ થોડો વખત મળવો પણ સંભવિત નથી. આપને આ સમયમાં એ પત્ર મળ્યું હોત તો વધારે ઉપયોગી થાત; તોપણ હવે પછી પણ એનું ઉપયોગીપણું તો અધિક જ આપ પણ માની શકશો; આપની જિજ્ઞાસાના કંઈક શમાર્ગે ટૂંકું તે પત્રનું વ્યાખ્યાન આપ્યું છે. આપના પહેલાં આ જન્મમાં હું લગભગ બે વર્ષથી કંઈક વધારે કાળથી ગૃહાશ્રમી થયો છું એ આપના જાણવામાં છે. ગૃહાશ્રમી જેને લઈને કહી શકાય છે, તે વસ્તુ અને મને તે વખતમાં કંઈ ઘણો પરિચય પડ નથી; તોપણ તેનું બનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણુંખરું સમજાયું છે, અને તે પરથી તેનો અને મારો સંબંધ અસંતોષપાત્ર થયો નથી; એમ જણાવવાનો હેતુ એવો છે કે ગૃહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપયોગી થાય છે; મને કંઈક સાંસ્કારિક અનુભવ ઊગી નીકળવાથી એમ કહી શકું છું કે મારો ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષપાત્ર નથી, તેમ ઉચિત સંતોષપાત્ર પણ નથી. તે માત્ર મધ્યમ છે, અને તે મધ્યમ હોવામાં પણ મારી કેટલીક ઉદાસીનવૃત્તિની સહાયતા છે. તત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે, અને ખચીત તે તત્ત્વજ્ઞાનનો વિવેક પણ આને ઊગ્યો હતો, કાળનાં બળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો; અને ખરે ! જો તેમ ન થઈ શક્યું હોત તો તેના (આ પત્રલેખકના) જીવનનો અંત આવત. જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે, બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે. તથાપિ જ્યાં નિરુપાયતા છે, ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે. કોઈ કોઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ તુચ્છ નિમિત્ત થઈ પડે છે; તે વેળા તે વિવેક પર કોઈ જાતિનું આવરણ આવે છે, ત્યારે આત્મા બહુ જ મૂંઝાય છે. જીવનરહિત થવાની, દેહત્યાગ કરવાની દુ:ખસ્થિતિ કરતાં