________________ 102 ધ્યાન - પરમ પુરુષાર્થ - મોક્ષનું સ્વરૂપ - ધ્યાનરૂપ વહાણ ૐ ધ્યાન દુરન્ત તથા સારવર્જિત આ અનાદિ સંસારમાં ગુણસહિત મનુષ્યપણું જીવને દુષ્પાપ્ય અર્થાત દુર્લભ છે. હે આત્મન તેં જો આ મનુષ્યપણું કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે, તો તારે પોતામાં પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. આ મનુષ્યજન્મ સિવાય અન્ય કોઈ પણ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય નથી થતો. આ કારણથી આ ઉપદેશ છે. અનેક વિદ્વાનોએ પુરુષાર્થ કરવો એ આ મનુષ્યજન્મનું ફળ કહ્યું છે. આ પુરુષાર્થ ધર્માદિક ભેદથી ચાર પ્રકારે છે. પ્રાચીન મહર્ષિઓએ 1. ધર્મ, 2. અર્થ, 3. કામ, અને 4. મોક્ષ, એમ ચાર પ્રકારનો પુરુષાર્થ કહ્યો છે. આ પરષાર્થમાં પ્રથમના ત્રણ પુરુષાર્થ નાશસહિત અને સંસારરોગથી દૂષિત છે એમ જાણીને તત્ત્વોના જાણનાર જ્ઞાનીપુરુષ અંતનો પરમપુરુષાર્થ અર્થાત મોક્ષનાં સાધન કરવામાં જ યત્ન કરે છે. કારણ કે મોક્ષ નાશરહિત અવિનાશી છે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ રૂપ સમસ્ત કર્મોના સંબંધના સર્વથા નાશરૂપ લક્ષણવાળો તથા જે સંસારનો પ્રતિપક્ષી છે તે મોક્ષ છે. આ વ્યતિરેક પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ છે. દર્શન અને વીર્યાદિ ગુણ સહિત તથા સંસારના ક્લેશો રહિત ચિદાનંદમયી આત્યંતિક અવસ્થાને સાક્ષાત મોક્ષ ક્યું છે. આ અન્વય પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ કહ્યું છે. જેમાં અતીન્દ્રિય, ઇંદ્રિયોથી અતિક્રાંત, વિષયોથી અતીત, ઉપમારહિત અને સ્વાભાવિક, વિચ્છેદરહિત, પારમાર્થિક સુખ હોય તેને મોક્ષ કહ્યો જાય છે. જેમાં આ આત્મા નિર્મળ, શરીરરહિત, ક્ષોભરહિત, શાંતસ્વરૂપ, નિષ્પન્ન (સિદ્ધરૂપ), અત્યંત અવિનાશી સુખરૂપ, કૃતકૃત્ય તથા સમીચીન સમ્યકજ્ઞાન સ્વરૂપ થઈ જાય છે તે પદને મોક્ષ કહીએ છીએ. ધીરવીર પુરુષ આ અનંત પ્રભાવવાળા મોક્ષરૂપ કાર્યના નિમિત્ત, સમસ્ત પ્રકારના ભ્રમોને છોડી, કર્મબંધ નાશ કરવાના કારણરૂપ તપને અંગીકાર કરે છે. શ્રી જિન સમ્યકદર્શન, જ્ઞાન અને ચારિત્રને મુક્તિનું કારણ કહે છે. અતએવ જે મુક્તિની ઇચ્છા કરે છે, તે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રને જ મોક્ષનું સાધન કહે છે. મોક્ષનાં સાધન જે સમ્યક્દર્શનાદિક છે તેમાં “ધ્યાન’ ગર્ભિત છે. તે કારણ ધ્યાનનો ઉપદેશ હવે પ્રકટ કરતાં કહે છે કે “હે આત્મન તું સંસારદુઃખના વિનાશ અર્થે જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસારસમુદ્ર પાર ઊતરવા માટે ધ્યાનરૂપ વહાણનું અવલંબન કર. [અપૂર્ણ ].