________________ 101 મનુષ્ય આત્મા ચારે વર્ગ સાધવા વિશેષ યોગ્ય - આશ્ચર્યકારી વિચિત્રતા - મોહદ્રષ્ટિથી દુ:ખ ગ્રહણ મુંબઈ, પોષ, 1946 ‘જે મનુષ્યો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકવાને ઇચ્છતા હોય તેમના વિચારને સહાયક થવું’ એ વાક્યમાં આ પત્રને જન્મ આપવાનું સર્વ પ્રકારનું પ્રયોજન દેખાડી દીધું છે. તેને કંઈક ફુરણા આપવી યોગ્ય છે. આ જગતમાં વિચિત્ર પ્રકારના દેહધારીઓ છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણથી એમ સિદ્ધ થઈ શક્યું છે કે, તેમાં મનુષ્યરૂપે પ્રવર્તતા દેહધારી આત્માઓ એ ચારે વર્ગ સાધી શકવાને વિશેષ યોગ્ય છે. મનુષ્યજાતિમાં જેટલા આત્માઓ છે, તેટલા બધા કંઈ સરખી વૃત્તિના, સરખા વિચારના કે સરખી જિજ્ઞાસા અને ઇચ્છાવાળા નથી, એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. પ્રત્યેકે પ્રત્યેક સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતાં વૃત્તિ, વિચાર, જિજ્ઞાસા અને ઇચ્છાની એટલી બધી વિચિત્રતા લાગે છે કે આશ્ચર્ય ! એ આશ્ચર્યનું બહુ પ્રકારે અવલોકન કરતાં, સર્વ પ્રાણીની અપવાદ સિવાય સુખપ્રાપ્તિ કરવાની જે ઇચ્છા, તે બહુ અંશે મનુષ્યદેહમાં સિદ્ધ થઈ શકે છે, તેવું છતાં તેઓ સુખને બદલે દુઃખ લઈ લે છે, એમ માત્ર મોહદ્રષ્ટિથી થયું છે.