________________ 87 અંતરંગ જિજ્ઞાસા - હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય - ‘નાસ્તિક' ઉપનામથી જૈનદર્શનનું ખંડન - સર્વ સપુરુષોની એક જ વાટ મુંબઈ, કાર્તિક સુદ 7, ગુરૂ, 1946 ‘અષ્ટક’ અને ‘યોગબિંદુ’ એ નામનાં બે પુસ્તકો આ સાથે આપની દ્રષ્ટિતળે નીકળી જવા હું મોકલું છું. ‘યોગબિંદુ’નું બીજું પાનું શોધતાં મળી શક્યું નથી; તોપણ બાકીનો ભાગ સમજી શકાય તેવો હોવાથી તે પુસ્તક મોકલ્યું છે. ‘યોગદ્રષ્ટિસમુચ્ચય’ પાછળથી મોકલીશ. પરમતત્વને સામાન્ય બોધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય છે. કોઈ સ્થળે ખંડન-મંડન ભાગ સાપેક્ષ હશે, તે ભણી આપની દ્રષ્ટિ નહીં હોવાથી મને કલ્યાણ છે. અથથી ઇતિ સુધી અવલોકન કરવાનો વખત મેળવ્યાથી મારા પર એક કૃપા થશે. (જૈન એ મોક્ષના અખંડ ઉપદેશને કરતું, અને વાસ્તવિક તત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન છતાં કોઈ ‘નાસ્તિક' એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી, એ આપને દ્રષ્ટિમાં આવી જવાનું પ્રાયે બનશે તેથી.) જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી; એ કંઈ કારણથી કહી જઈ જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને. સર્વ સત્પરષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિપર્યત સતક્રિયા કે રાગદ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. આત્મા આમ લખવા જિજ્ઞાસુ થવાથી લખ્યું છે. તેમાંની ન્યૂનાધિકતા ક્ષમાપાત્ર છે. વિ. રાયચંદના વિનયપૂર્વક પ્રણામ