________________ 59 તમારી સમીપ જ છું - દેહત્યાગનો ભય ન સમજો - દશવૈકાલિક અપૂર્વ વાત - પરમ કલ્યાણની એક શ્રેણિ વવાણિયા, વૈશાખ સુદ 1, 1945 તમારી દેહસંબંધી સ્થિતિ શોચનીય જાણી વ્યવહારની અપેક્ષાએ ખેદ થાય છે. મારા પર અતિશય ભાવના રાખી વર્તવાની તમારી ઇચ્છાને હું રોકી શકતો નથી, પણ તેવી ભાવના ભાવતાં તમારા દેહને યત્કિંચિત હાનિ થાય તેમ ન કરો. મારા પર તમારો રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઇચ્છા નથી; પરંતુ તમે એક ધર્મપાત્ર જીવ છો અને મને ધર્મપાત્ર પર કંઈ વિશેષ અનુરાગ ઉપજાવવાની પરમ ઇચ્છના છે; તેને લીધે કોઈ પણ રીતે તમારા પર ઇચ્છના કંઈ અંશે પણ વર્તે છે. નિરંતર સમાધિભાવમાં રહો. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. દેહદર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહો. સમીપ જ છું, એમ ગણી શોક ઘટાડો, જરૂર ઘટાડો. આરોગ્યતા વધશે; જિંદગીની સંભાળ રાખો; હમણાં દેહત્યાગનો ભય ન સમજો, એવો વખત હશે તો અને જ્ઞાનીદ્રય હશે તો જરૂર આગળથી કોઈ જણાવશે કે પહોંચી વળશે. હમણા તો તેમ નથી. તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારો, સમીપ જ છે. જ્ઞાનીદ્રશ્ય તો થોડો વખત વિયોગ રહી સંયોગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે. દશવૈકાલિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું. અપૂર્વ વાત છે. જો પદ્માસન વાળીને કિંવા સ્થિર આસનથી બેસી શકાતું હોય, સૂઈ શકાતું હોય તો પણ ચાલે, પણ સ્થિરતા જોઈએ, ચળવિચળ દેહ ન થતો હોય, તો આંખો વીંચી1 જઈ નાભિના ભાગ પર દ્રષ્ટિ પહોંચાડી, પછી છાતીના મધ્ય ભાગમાં આણી, કપાળના મધ્ય ભાગમાં તે દ્રષ્ટિ ઠેઠ લાવી, સર્વ જગત શૂન્યાભાસરૂપ ચિંતવી, પોતાના દેહમાં સર્વ સ્થળે એક તેજ વ્યાપ્યું છે એવો ભાસ લઈ જે રૂપે પાર્શ્વનાથાદિક અહંતની પ્રતિમા સ્થિર ધવળ દેખાય છે, તેવો ખ્યાલ છાતીના મધ્ય ભાગમાં કરો. તેટલામાંથી કંઈ થઈ ન શકતું હોય તો મારું ખભેરખણું મેં જે રેશમી કોરે રાખ્યું હતું, તે ઓઢી સવારના ચાર વાગે કે પાંચ વાગે જાગૃતિ પામી સોડ તાણી એકાગ્રતા ચિંતવવી. અહંત સ્વરૂપનું ચિંતવન, બને તો કરવું. નહીં તો કંઈ પણ નહીં ચિંતવતાં સમાધિ કે બોધિ એ શબ્દો જ ચિંતવવા, અત્યારે એટલું જ. પરમ કલ્યાણની એક શ્રેણિ થશે. ઓછામાં ઓછી બાર પળ અને ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત સ્થિતિ રાખવી. વિ. રાયચંદ 1 મીંચી, બંધ કરી.