________________ 54 મોક્ષના માર્ગ - ક્રિયાઓ અને ઉપદેશો એક જ માર્ગ માટે - ભવ્ય પણ અટક્યા - માર્ગ આત્મામાં - તેની પ્રાપ્તિ - મતભેદ વવાણિયા, ફાલ્વન સુદ 9, રવિ, 1945 નિર્ગસ્થ મહાત્માઓને નમસ્કાર મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સત્પરુષો એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે. ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળે પામશે નહીં. શ્રી જિને સહસગમે ક્રિયાઓ અને સહસંગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાત ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીન્દ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતાં અટક્યા છે, તથા અટકશે અને અટક્યા હતા. કોઈ પણ ધર્મસંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યયોગે જે માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને, મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે, તેટલા સમયનો (ગૌણતાએ) સંશોધક ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે. વિશેષ શું કહેવું ? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મતૃપ્રાપ્ય પુરુષ - નિર્ગથ આત્મા - જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે - ઉદય આપશે - ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે. મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અંતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષરલેખ થયો હોય તો તે ક્ષમ થાઓ.