________________ પર સર્વોત્તમ શ્રેય - શી એની શૈલી ! વિવાણિયા બંદર, માહ વદ 10, સોમ, 1945 નીરાગી પુરુષોને નમસ્કાર આત્મહિતાભિલાષી આજ્ઞાંકિત, તમારો આત્મવિચારભરિત પત્ર ગઈ પ્રભાતે મલ્યો. નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડ્યો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રોમમાં કિંચિત પણ અજ્ઞાન, મોહ, કે અસમાધિ રહી નથી તે પુરુષનાં વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્વળ શુક્લ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિર્ગથનાં પવિત્ર વચનોની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માનાં યોગબળ આગળ પ્રયાચના ! દયાળભાઈએ દર્શાવ્યું તે પ્રમાણે તમે લખ્યું છે, અને હું માનું છું કે તેમ જ હશે. દયાળભાઈ સહર્ષ પત્ર લખે એમ તેમને કહેશો અને ધર્મધ્યાન ભણી પ્રવૃત્તિ થાય એ કર્તવ્યની ભલામણ આપશો. ‘પ્રવીણસાગર’ માટે કંઈ ઉત્તર નથી તે લખશો. જેમ બને તેમ આત્માને ઓળખવા ભણી લક્ષ દો એ જ માગણી છે. કવિરાજ - તમારા નિઃસ્વાર્થી પ્રેમને માટે વિશેષ શું લખે ? હું તમને ધનાદિકથી તો સહાયભૂત થઈ શકું તેમ નથી, તેમ તેવું પરમાત્માનું યોગબળ પણ ન કરો !) પણ આત્માથી સહાયભૂત થાઉં અને કલ્યાણની વાટે તમને લાવી શકું, તો સર્વ જય મંગળ જ છે. આટલું તેઓને વંચાવશો. તેમાંનું તમને પણ કેટલુંક મનન કરવારૂપ છે. દયાળભાઈની પાસે જતા રહેશો. નોકરીમાંથી જ્યારે જ્યારે વચ્ચે વખત મળે ત્યારે ત્યારે તેમના સત્સંગમાં રહેશો એમ મારી ભલામણ છે. અત્યારે એ જ. વિ. રાયચંદના પ્રણામ, સપુરુષોને નમસ્કાર સમેત.