________________ ભિક્ષા સંબંધી પ્રયત્નતા હમણાં મુલતવો. જ્યાં સુધી સંસાર જેમ ભોગવવો નિમિત્ત હશે તેમ ભોગવવો પડશે. તે વિના છૂટકો પણ નથી. અનાયાસે યોગ્ય જગા સાંપડી જાય તો તેમ, નહીં તો પ્રયત્ન કરશો. અને ભિક્ષાટન સંબંધી યોગ્ય વેળાએ પુનઃ પૂછશો. વિદ્યમાનતા હશે તો ઉત્તર આપીશ. “ધર્મ" એ વસ્તુ બહ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતરસંશોધન કોઈક મહાભાગ્ય સગરૂ અનુગ્રહ પામે છે. તમારા વિચારો સુંદર શ્રેણીમાં આવેલા જોઈ મારા અંતઃકરણે જે લાગણી ઉત્પન્ન કરી છે તે અહીં દર્શાવતાં સકારણ અટકી જઉં છું. ચિ૦ દયાળભાઈ પાસે જશો. કંઈ દર્શાવે તો મને જણાવશો. લખવા સંબંધમાં હમણાં કંઈક મને કંટાળો વર્તે છે. તેથી ધાર્યો હતો તેના આઠમા ભાગનો પણ ઉત્તર લખી શકતો નથી. છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશો કેઃ એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સતપુરુષો કરે છે. સ્યાપદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો ? આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જોવાં જોઈએ. સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. એમ ઇચ્છી વળતી ટપાલે પત્ર લખવા વિનંતી કરી પત્રિકા પૂર્ણ કરું છું. લિ૦ માત્ર રવજી આત્મજ રાયચંદના પ્રણામ - નીરાગ શ્રેણી સમુચ્ચયે.