________________ 32 એક અદભુત વાત (વામનેત્ર). વવાણિયા, આષાઢ વદ 3, બુધ, 1944 આ એક અદભુત વાત છે કે ડાબી આંખમાંથી ચાર પાંચ દિવસ થયાં એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ ઓલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે, કે દેખાવ દે છે. મારી દ્રષ્ટિમાં વારંવાર તે જોવામાં આવે છે. એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણા નથી. નિમિત્ત કારણ કંઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજી કોઈ પણ પ્રકારની અસર નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. ચારેક દિવસ પહેલાં બપોરના 2-20 મિનિટે એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે. અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે. કારણ કંઈ સમજાતું નથી. આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી જઉં છું. વિશેષ એ સંબંધી હવે પછી લખીશ.