________________ 30 લગ્નસંબંધી વિચારો - પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપો મુંબઈ, પોષ વદ 10, બુધવાર 1944 'લગ્નસંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિષે તેઓનો આગ્રહ છે તો ભલે તે મિતિ નિશયરૂપ રહી. લક્ષ્મી પર પ્રીતિ નહીં છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતો. જે સગવડનું ધારેલું પરિણામ આવવાનો બહુ વખત નહોતો. પણ એઓ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી વદ 13 કે 14 (પોષની)ને રોજ અહીંથી રવાના થઉં છું. પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી. આપણો અન્યોન્ય સંબંધ છે તે કંઈ સગપણનો નથી, પરંતુ હૃદયસગપણનો છે. પરસ્પર લોહચુંબકનો ગુણ પ્રાપ્ત થયો છે. એમ દર્શિત છે, છતાં હું વળી એથી પણ ભિન્નરૂપે આપને હૃદયરૂપ કરવા માગું છું. જે વિચારો સઘળી સગપણતા દૂર કરી, સંસારયોજના દૂર કરી તત્વવિજ્ઞાનરૂપે મારે દર્શાવવાના છે, અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિકરૂપે આત્મસ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉં છું. તેઓ શુભ પ્રસંગમાં સદ્વિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબરૂપે સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓનાં હૃદયમાં છે કે? આપ ઉતારશો કે? કોઈ ઉતારશે કે? એ ખ્યાલ પુનઃપુનઃ હૃદયમાં પર્યટન કરે છે. નિદાન, સાધારણ વિવેકીઓ જે વિચારને આકાશી ગણે તેવા વિચારો, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવત્તિની વિકટોરિયાને દુર્લભ - કેવળ અસંભવિત છે - તે વિચારો, તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઇચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તો તે પદાભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચારો માત્ર આપને જ દર્શાવે છે. અંતઃકરણ શુક્લ - અદભુત - વિચારોથી ભરપૂર છે. પરંતુ આપ ત્યાં રહ્યા ને હું અહીં રહ્યો ! 1 સં. 1944 મહા સુદ 12-ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ.