________________ શિક્ષાપાઠ ૧૦પ.વિવિધ પ્રશ્નો - ભાગ 4 પ્ર0- આવું જૈનદર્શન જ્યારે સર્વોત્તમ છે ત્યારે સર્વ આત્માઓ એના બોધને કાં માનતા નથી ? ઉ0- કર્મની બાહલ્યતાથી, મિથ્યાત્વનાં જામેલાં દળિયાંથી અને સત્સમાગમના અભાવથી. પ્ર0- જૈન મુનિઓના મુખ્ય આચાર શા છે ? ઉ0- પાંચ મહાવ્રત, દશવિધિ યતિધર્મ, સપ્તદશવિધિ સંયમ, દશવિધિ વૈયાવૃત્ય, નવવિધિ બ્રહ્મચર્ય, દ્વાદશ પ્રકારનાં તપ, ક્રોધાદિક ચાર પ્રકારના કષાયનો નિગ્રહ; વિશેષમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન ઇત્યાદિક અનેક ભેદ છે. પ્ર0- જૈન મુનિઓના જેવાં જ સંન્યાસીઓનાં પાંચ યામ છે; બૌદ્ધધર્મનાં પાંચ મહાશીલ છે. એટલે એ આચારમાં તો જૈન મુનિઓ અને સંન્યાસીઓ તેમજ બૌદ્ધમુનિઓ સરખા ખરા કે ? ઉ0- નહીં. પ્ર0- કેમ નહીં ? ઉ0- એઓનાં પંચ યામ અને પંચ મહાશીલ અપૂર્ણ છે. મહાવ્રતના પ્રતિભેદ જૈનમાં અતિ સૂક્ષ્મ છે. પેલા બેના સ્થળ છે. પ્ર0- સૂક્ષ્મતાને માટે દ્રષ્ટાંત આપો જોઈએ ? ઉ0- દ્રષ્ટાંત દેખીતું જ છે. પંચયામીઓ કંદમૂળાદિક અભક્ષ્ય ખાય છે; સુખશધ્યામાં પોઢે છે; વિવિધ જાતનાં વાહનો અને પુષ્પોનો ઉપભોગ લે છે; કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે. રાત્રિએ ભોજન લે છે. એમાં થતો અસંખ્યાતા જંતુનો વિનાશ, બ્રહ્મચર્યનો ભંગ એની સૂક્ષ્મતા તેઓના જાણવામાં નથી. તેમજ માંસાદિક અભક્ષ્ય અને સુખશીલિયાં સાધનોથી બૌદ્ધમુનિઓ યુક્ત છે. જૈનમુનિઓ તો કેવળ એથી વિરક્ત જ છે.