________________ શિક્ષાપાઠ 91. તત્ત્વાવબોધ - ભાગ 10 આપની યોજેલી યોજના હું ધારું છું કે આથી સમાધાન પામી હશે. આ કંઈ યથાર્થ શૈલી ઉતારી નથી, તોપણ એમાં કંઈ પણ વિનોદ મળી શકે તેમ છે. એ ઉપર વિશેષ વિવેચન માટે બહોળો વખત જોઈએ એટલે વધારે કહેતો નથી; પણ એક બે ટૂંકી વાત આપને કહેવાની છે તે જો આ સમાધાન યોગ્ય થયું હોય તો કહું. પછી તેઓ તરફથી મનમાન્યો ઉત્તર મળ્યો, અને એક બે વાત જે કહેવાની હોય તે સહર્ષ કહો એમ તેઓએ કહ્યું. પછી મેં મારી વાત સજીવન કરી લબ્ધિ સંબંધી કહ્યું. આપ એ લબ્ધિ સંબંધી શંકા કરો કે એને ક્લેશરૂપ કહો તો એ વચનોને અન્યાય મળે છે. એમાં અતિ અતિ ઉજ્વળ આત્મિક શક્તિ, ગુરૂગમ્યતા અને વૈરાગ્ય જોઈએ છે, જ્યાં સુધી તેમ નથી ત્યાં સુધી લબ્ધિ વિષે શંકા રહે ખરી, પણ હું ધારું છું કે આ વેળા એ સંબંધી કહેલા બે બોલ નિરર્થક નહીં જાય. તે એ કે જેમ આ યોજના નાસ્તિ અસ્તિ પર યોજી જોઈ, તેમ એમાં પણ બહુ સૂક્ષ્મ વિચાર કરવાના છે. દેહે દેહની પૃથક પૃથક ઉત્પત્તિ, ચ્યવન, વિશ્રામ, ગર્ભાધાન, પર્યાપ્તિ, ઇંદ્રિય, સત્તા, જ્ઞાન, સંજ્ઞા, આયુષ્ય, વિષય ઇત્યાદિ અનેક કર્મપ્રકૃતિ પ્રત્યેક ભેટે લેતાં જે વિચારો એ લબ્ધિથી નીકળે તે અપૂર્વ છે. જ્યાં સુધી લક્ષ પહોંચે ત્યાં સુધી સઘળા વિચાર કરે છે; પરંતુ દ્રવ્યાર્થિક, ભાવાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન એ ત્રણ શબ્દોમાં રહ્યું છે તેનો વિચાર કોઈ જ કરે છે, તે સગુરૂમુખની પવિત્ર લબ્ધિરૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગી જ્ઞાન શા માટે ન થાય ? જગત એમ કહેતાં જેમ મનુષ્ય એક ઘર, એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી એ સઘળું મૂકી દઈ અસંખ્યાત દ્વીપ સમુદ્ર યુક્તાદિકથી ભરપૂર વસ્તુ એકદમ કેમ સમજી જાય છે ? એનું કારણ માત્ર એટલું જ કે તે એ શબ્દની બહોળતાને સમજ્યું છે, કિંવા લક્ષની અમુક બહોળતાને સમજ્યું છેજેથી જગત એમ કહેતાં એવડો મોટો મર્મ સમજી શકે છે; તેમજ ઋજુ અને સરળ સત્પાત્ર શિષ્યો નિર્ગથ ગુરૂથી એ ત્રણ શબ્દોની ગમ્યતા લઈ દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા. અને તે લબ્ધિ અલ્પજ્ઞતાથી વિવેકે જોતાં ક્લેશરૂપ પણ નથી.