________________ શિક્ષાપાઠ 89. તત્ત્વાવબોધ - ભાગ 8 એટલા દોષ એ કથનો સિદ્ધ ન થતાં આવે છે. એક જૈનમુનિએ મને અને મારા મિત્રમંડળને એમ કહ્યું હતું કે જૈન સપ્તભંગી નય અપૂર્વ છે, અને એથી સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. નાસ્તિ, અસ્તિના એમાં અગમ્ય ભેદ રહ્યા છે. આ કથન સાંભળી અમે બધા ઘેર આવ્યા પછી યોજના કરતાં કરતાં આ લબ્ધિવાક્યની જીવ પર યોજના કરી. હું ધારું છું કે એવા નાસ્તિ અસ્તિના બન્ને ભાવ જીવ પર નહીં ઊતરી શકે. લબ્ધિવાક્યો પણ ક્લેશરૂપ થઈ પડશે. યદિ એ ભણી મારી કંઈ તિરસ્કારની દ્રષ્ટિ નથી. આના ઉત્તરમાં મેં કહ્યું કે આપે જે નાસ્તિ અને અસ્તિ નય જીવ પર ઉતારવા ધાર્યો તે સનિક્ષેપ શૈલીથી નથી, એટલે વખતે એમાંથી એકાંતિક પક્ષ લઈ જવાય; તેમ વળી હું કંઈ સ્યાદ્વાદ શૈલીનો યથાર્થ જાણનાર નથી. મંદમતિથી લેશ ભાગ જાણું છું. નાસ્તિ અસ્તિ નય પણ આપે શૈલીપૂર્વક ઉતાર્યો નથી એટલે હું તર્કથી જે ઉત્તર દઈ શકું તે આપ સાંભળો. ઉત્પત્તિમાં ‘ના’ એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે “જીવ અનાદિ અનંત છે'. વિષ્ણતામાં ‘ના’ એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે “એનો કોઈ કાળે નાશ નથી'. ધ્રુવતામાં ‘ના’ એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે ‘એક દેહમાં તે સદૈવને માટે રહેનાર નથી’.