________________ શિક્ષાપાઠ 82. તત્ત્વાવબોધ - ભાગ 1 દશવૈકાળિકસૂત્રમાં કથન છે કે જેણે જીવાજીવના ભાવ નથી જાણ્યા તે અબુધ સંયમમાં સ્થિર કેમ રહી શકશે ? એ વચનામૃતનું તાત્પર્ય એમ છે કે તમે આત્મા, અનાત્માનાં સ્વરૂપને જાણો, એ જાણવાની પરિપૂર્ણ આવશયક્તા છે. આત્મા અનાત્માનું સત્ય સ્વરૂપ નિગ્રંથ પ્રવચનમાંથી પ્રાપ્ત થઈ શકે છે. અનેક મતોમાં એ બે તત્ત્વો વિષે વિચારો દર્શાવ્યા છે તે યથાર્થ નથી. મહા પ્રજ્ઞાવંત આચાર્યોએ કરેલાં વિવેચન સહિત પ્રકારાંતરે કહેલાં મુખ્ય નવ તત્ત્વને વિવેકબુદ્ધિથી જે શેય કરે છે, તે સત્પરુષ આત્મસ્વરૂપને ઓળખી શકે છે. સ્યાદ્વાદશૈલી અનુપમ અને અનંત ભેદભાવથી ભરેલી છે; એ શૈલીને પરિપૂર્ણ તો સર્વજ્ઞ અને સર્વદર્શી જ જાણી શકે; છતાં એઓનાં વચનામૃતાનુસાર આગમ ઉપયોગથી યથામતિ નવ તત્ત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે. એ નવ તત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેકબુદ્ધિ, શુદ્ધ સમ્યકત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય છે. નવ તત્ત્વમાં લોકાલોકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. જે પ્રમાણે જેની બુદ્ધિની ગતિ છે, તે પ્રમાણે તેઓ તત્ત્વજ્ઞાન સંબંધી દ્રષ્ટિ પહોંચાડે છે; અને ભાવાનુસાર તેઓના આત્માની ઉજ્વલતા થાય છે. તે વડે કરીને તેઓ આત્મજ્ઞાનનો નિર્મળ રસ અનુભવે છે. જેનું તત્ત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે, તેમજ સુશીલયુક્ત જે તત્વજ્ઞાનને સેવે છે તે પુરુષ મહભાગી છે. એ નવ તત્ત્વનાં નામ આગળના શિક્ષાપાઠમાં હું કહી ગયો છું; એનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાવંત આચાર્યોના મહાન ગ્રંથોથી અવશ્ય મેળવવું; કારણ સિદ્ધાંતમાં જે જે કહ્યું છે, તે તે વિશેષ ભેદથી સમજવા માટે સહાયભૂત પ્રજ્ઞાવંત આચાર્યવિરચિત ગ્રંથો છે. એ ગુરૂગમ્યરૂપ પણ છે. નય, નિક્ષેપા અને પ્રમાણભેદ નવતત્ત્વનાં જ્ઞાનમાં અવશ્યના છે; અને તેની યથાર્થ સમજણ એ પ્રજ્ઞાવંતોએ આપી છે.