________________ શિક્ષાપાઠ 81. પંચમકાળ કાળચક્રના વિચારો અવય કરીને જાણવા યોગ્ય છે. જિનેશ્વરે એ કાળચક્રના બે ભેદ કહ્યા છે. 1. ઉત્સર્પિણી, 2. અવસર્પિણી. એકેકા ભેદના છ છ આરા છે. આધુનિક વર્તન કરી રહેલો આરો પંચમકાળ કહેવાય છે અને તે અવસર્પિણી કાળનો પાંચમો આરો છે. અવસર્પિણી એટલે ઊતરતો કાળ; એ ઊતરતા કાળના પાંચમા આરામાં કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પરુષોએ કેટલાક વિચારો જણાવ્યા છે, તે અવશ્ય જાણવા જેવા છે. એઓ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. નિર્ગથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળતત્વોમાં મતમતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મોહાદિક દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પારિષ્ઠ ગુરૂઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટવૃત્તિનાં મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિકજ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાનક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયોનાં સાધનો વધતાં જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે. ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે; નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે; ધર્મ, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે; અન્યાયને જન્મ આપશે; જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે. પોતે પાપિષ્ઠ આચરણો સેવી પ્રજા આગળ તે પળાવતા જશે. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. નીચ મંત્રીઓની મહત્તા વધતી જશે. એઓ દીન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાનો રાજાને ઉપદેશ આપશે. શિયળ ભંગ કરવાનો ધર્મ રાજાને અંગીકાર કરાવશે. શૌર્યાદિક સગુણોનો નાશ કરાવશે. મૃગયાદિક પાપમાં અંધ બનાવશે. રાજ્યાધિકારીઓ પોતાના અધિકારથી હજારગુણી અહંપદતા રાખશે. વિપ્રો લાલચુ અને લોભી થઈ જશે; સદ્વિદ્યાને દાટી દેશે; સંસારી સાધનોને ધર્મ ઠરાવશે. વૈયો માયાવી, કેવળ સ્વાર્થી અને કઠોર હૃદયના થતા જશે. સમગ્ર મનુષ્યવર્ગની સવૃત્તિઓ ઘટતી જશે. અકૃત અને ભયંકર કૃત્યો કરતાં તેઓની વૃત્તિ અટકશે નહીં. વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદગુણો ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે; પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે; પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે. સ્નાનથી પવિત્રતા ગણાશે; ધનથી ઉત્તમકુળ ગણાશે. ગુરૂથી શિષ્યો અવળા ચાલશે. ભૂમિનો રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાનો ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે; અને કનિષ્ઠ વસ્તુનો ઉદય છે. પંચમકાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે ? મનુષ્ય સદ્ધર્મતત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે; સંપૂર્ણ તત્ત્વજ્ઞાન નહીં પામી શકે, જંબુસ્વામીના નિર્વાણ પછી દશ નિર્વાણી વસ્તુ આ ભરતક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ.