________________ શિક્ષાપાઠ 78. જ્ઞાન સંબંધી બે બોલ - ભાગ 2 2. હવે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનો વિષે કંઈ વિચાર કરીએ. અપૂર્ણ પર્યાપ્તિ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી એ માટે થઈને છ પર્યાપ્તિ યુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. એવો દેહ તે એક માનવદેહ છે. આ સ્થળે પ્રશ્ન ઊઠશે કે માનવદેહ પામેલા અનેક આત્માઓ છે, તો તે સઘળા આત્મજ્ઞાન કાં પામતા નથી ? એના ઉત્તરમાં આપણે માની શકીશું કે જેઓ સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા છે તેઓના પવિત્ર વચનામૃતની તેઓને શ્રુતિ નહીં હોય. શ્રુતિ વિના સંસ્કાર નથી. જો સંસ્કાર નથી તો પછી શ્રદ્ધા ક્યાંથી હોય ? અને જ્યાં એ એકે નથી ત્યાં જ્ઞાનપ્રાપ્તિ શાની હોય ? એ માટે માનવદેહની સાથે સર્વજ્ઞવચનામૃતની પ્રાપ્તિ અને એની શ્રદ્ધા એ પણ સાધનરૂપ છે. સર્વજ્ઞવચનામૃત અકર્મભૂમિ કે કેવળ અનાર્યભૂમિમાં મળતાં નથી તો પછી માનવદેહ શું ઉપયોગનો ? એ માટે થઈને આર્યભૂમિ એ પણ સાધનરૂપ છે. તત્ત્વની શ્રદ્ધા ઊપજવા અને બોધ થવા માટે નિર્ગથગુરૂની આવશ્યક્તા છે. દ્રવ્ય કરીને જે કુળ મિથ્યાત્વી છે, તે કુળમાં થયેલો જન્મ પણ આત્મજ્ઞાનપ્રાપ્તિની હાનિરૂપ જ છે. કારણ ધર્મમતભેદ એ અતિ દુઃખદાયક છે. પરંપરાથી પૂર્વજોએ ગ્રહણ કરેલું જે દર્શન તેમાં જ સત્યભાવના બંધાય છે; એથી કરીને પણ આત્મજ્ઞાન અટકે છે. એ માટે ભલું કુળ પણ જરૂરનું છે. એ સઘળાં પ્રાપ્ત કરવા માટે થઈને ભાગ્યશાળી થવું. તેમાં સપુણ્ય એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઇત્યાદિક ઉત્તમ સાધનો છે. એ દ્વિતીય સાધનભેદ કહ્યો. 3. જો સાધન છે તો તેને અનુકૂળ દેશ, કાળ છે ? એ ત્રીજા ભેદનો વિચાર કરીએ. ભારત, મહાવિદેહ ઈo કર્મભૂમિ અને તેમાં પણ આર્યભૂમિ એ દેશભાવે અનુકૂળ છે. જિજ્ઞાસુ ભવ્ય ! તમે સઘળા આ કાળે ભારતમાં છો; માટે ભારતદેશ અનુકૂળ છે. કાળભાવ પ્રમાણે મતિ અને શ્રત પ્રાપ્ત કરી શકાય એટલી અનુકૂળતા છે; કારણ આ દુષમ પંચમકાળમાં પરંપરાસ્નાયથી પરમાવધિ, મન:પર્યવ અને કેવળ એ પવિત્ર જ્ઞાન જોવામાં આવતાં નથી એટલે કાળની પરિપૂર્ણ અનૂકૂળતા નથી. 4. દેશકાળાદિ જો અનુકૂળ છે તો ક્યાં સુધી છે? એનો ઉત્તર કે શેષ રહેલું સૈદ્ધાંતિક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સામાન્ય મતથી કાળભાવે એકવીશ હજાર વર્ષ સુધી રહેવાનું. તેમાંથી અઢી સહસ ગયાં, બાકી સાડા અઢાર હજાર વર્ષ રહ્યાં, એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી કાળની અનુકૂળતા છે. દેશકાળ તે લઈને અનુકૂળ છે.