________________ શિક્ષાપાઠ 75. ધર્મધ્યાન - ભાગ 2 ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહું છું. 1. આજ્ઞારુચિ - એટલે વીતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઊપજે તે. 2. નિસર્ગરુચિ - આત્મા સ્વાભાવિકપણે જાતિસ્મરણાદિક જ્ઞાને કરી શ્રુત સહિત ચારિત્રધર્મ ધરવાની રુચિ પામે તેને નિસર્ગરુચિ કહે છે. 3. સૂત્રરુચિ - શ્રુતજ્ઞાન અને અનંત તત્ત્વના ભેદને માટે ભાખેલાં ભગવાનનાં પવિત્ર વચનોનું જેમાં ગૂંથન થયું છે, તે સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રુચિ ઊપજે તે સૂત્રરુચિ. 4. ઉપદેશરુચિ - અજ્ઞાને કરીને ઉપાર્જેલાં કર્મ જ્ઞાન કરીને ખપાવીએ, તેમજ જ્ઞાન વડે કરીને નવાં કર્મ ન બાંધીએ; મિથ્યાત્વે કરીને ઉપાજ્ય કર્મ તે સમ્યભાવથી ખપાવીએ, સમ્યકૃભાવથી નવાં કર્મ ન બાંધીએ; અવૈરાગ્યે કરીને ઉપાજ્ય કર્મ તે વૈરાગ્યે કરીને ખપાવીએ અને વૈરાગ્ય વડે કરીને પાછાં નવાં કર્મ ન બાંધીએ; કષાયે કરી ઉપાજ્ય કર્મ તે કષાય ટાળીને ખપાવીએ, ક્ષમાદિથી નવાં કર્મ ન બાંધીએ; અશુભ યોગે કરી ઉપાજ્ય કર્મ તે શુભ યોગે કરી ખપાવીએ, શુભ યોગે કરી નવાં કર્મ ન બાંધીએ; પાંચ ઇંદ્રિયના સ્વાદરૂપ આસવે કરી ઉપાજ્ય કર્મ તે સંવરે કરી ખપાવીએ, તારૂપ સંવરે કરી નવાં કર્મ ન બાંધીએ; તે માટે અજ્ઞાનાદિક આસવમાર્ગ છાંડીને જ્ઞાનાદિક સંવર માર્ગ ગ્રહણ કરવા માટે તીર્થકર ભગવંતનો ઉપદેશ સાંભળવાની રુચિ ઊપજે તેને ઉપદેશરુચિ કહીએ. એ ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહેવાયાં. ધર્મધ્યાનનાં ચાર આલંબન કહું છું. 1. વાંચના, 2. પૃચ્છના, 3. પરાવર્તના, 4. ધર્મકથા. 1. વાંચના - એટલે વિનય સહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્રસિદ્ધાંતના મર્મના જાણનાર ગુરૂ કે સપુરુષ સમીપે સૂત્ર તત્ત્વનું વાંચન લઈએ તેનું નામ વાંચનાલંબન. 2. પૃચ્છના - અપૂર્વ જ્ઞાન પામવા માટે, જિનેશ્વર ભગવંતનો માર્ગ દીપાવવાને તથા શંકાશલ્ય નિવારણને માટે તેમ જ અન્યના તત્ત્વની મધ્યસ્થ પરીક્ષાને માટે યથાયોગ્ય વિનય સહિત ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ. 3. પરાવર્તના- પૂર્વે જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે સ્મરણમાં રહેવા માટે, નિર્જરાને અર્થે શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સક્ઝાય કરીએ તેનું નામ પરાવર્તનાલંબન. 4. ધર્મકથા - વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે. તે ભાવ તેવા લઈને, ગ્રહીને, વિશેષ કરીને નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિતિગિચ્છારહિતપણે, પોતાની નિર્જરાને અર્થે સભામધ્યે તે ભાવ તેવા પ્રણીત કરીએ તેને ધર્મકથાલંબન કહીએ. જેથી સાંભળનાર, સદહનાર બન્ને ભગવંતની આજ્ઞાના આરાધક થાય. એ ધર્મધ્યાનનાં ચાર આલંબન કહેવાયાં. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા કહું છું. 1. એકવાનુપ્રેક્ષા, 2. અનિત્યાનુપ્રેક્ષા, 3. અશરણાનુપ્રેક્ષા, 4. સંસારાનુપ્રેક્ષા. એ ચારેનો બોધ બાર ભાવનાના પાઠમાં કહેવાઈ ગયો છે તે તમને સ્મરણમાં હશે.