________________ શિક્ષાપાઠ 71. સનતકુમાર - ભાગ 2 સનતકુમારે એ પરીક્ષા કરી તો સત્ય ઠરી. પૂર્વિત કર્મનાં પાપનો જે ભાગ, તેમાં આ કાયાના મદસંબંધીનું મેલવણ થવાથી તે ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ હતી. વિનાશી અને અશુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનતકુમારને અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. કેવળ આ સંસાર તજવા યોગ્ય છે. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મોહમાન કરવા યોગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યો. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું; તમારી કાયા રોગનો ભોગ થયેલી છે; જો ઇચ્છા હોય તો તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, “હે વૈદ ! કર્મરૂપી રોગ મહોન્મત્ત છે; એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો. એ સમર્થતા ન હોય તો આ રોગ ભલે રહ્યો.” દેવતા બોલ્યો, એ રોગ ટાળવાની સમર્થતા હું ધરાવતો નથી. સાધુએ પોતાની લબ્ધિના પરિપૂર્ણ પ્રબળ વડે થંકવાળી અંગુલિ કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગનો નાશ થયો, અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાશ્ય, ધન્યવાદ ગાઈ વંદન કરી તે પોતાને સ્થાનકે ગયો. રક્તપિત્ત જેવા સદૈવ લોહીપરુથી ગદગદતા મહા રોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે, જેના પ્રત્યેક રોમે પોણા બબ્બે રોગનો નિવાસ છે, તેવા સાડા ત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી રોગનો તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અન્ન વગેરેની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે; મળ, મૂત્ર, નરક, હાંડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે; ત્વચાથી માત્ર જેની મનોહરતા છે, તે કાયાનો મોહ ખરે ! વિભ્રમ જ છે ! સનતકુમારે જેનું લેશમાત્ર માન કર્યું તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર ! તું શું મોહે છે ? એ મોહ મંગળદાયક નથી.