________________ શિક્ષાપાઠ 65. સુખ વિષે વિચાર - ભાગ 5 આ સઘળા ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે અને સામાન્ય વિચારે મને બહુ સુખી માનો તો માની શકાય તેમ છે. ધર્મ, શીલ અને નીતિથી તેમજ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઊપજે છે તે અવર્ણનીય છે. પણ તત્વદ્રષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ મેં ત્યાગ્યા નથી ત્યાં સુધી રાગદોષનો ભાવ છે. જોકે તે બહ અંશે નથી, પણ છે; તો ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગપરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાં સુધી હજુ કોઈ ગણાતાં પ્રિયજનનો વિયોગ, વ્યવહારમાં હાનિ, કુટુંબીનું દુ:ખ એ થોડે અંશે પણ ઉપાધિ આપી શકે. પોતાના દેહ પર મોત સિવાય પણ નાના પ્રકારના રોગનો સંભવ છે. માટે કેવળ નિગ્રંથ, બાહ્યાભ્યતર પરિગ્રહનો ત્યાગ, અલ્પારંભનો ત્યાગ એ સઘળું નથી થયું ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતો નથી. હવે આપને તત્ત્વની દ્રષ્ટિએ વિચારતાં માલુમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી; અને એને સુખ ગણું તો જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ ક્યાં ગયું હતું? જેનો વિયોગ છે, જે ક્ષણભંગુર છે અને જ્યાં એકત્વ કે અવ્યાબાધપણું નથી તે સુખ સંપૂર્ણ નથી. એટલા માટે થઈને હું મને સુખી કહી શકતો નથી. હું બહુ વિચારી વિચારી વ્યાપાર વહીવટ કરતો હતો. તોપણ મારે આરંભોપાધિ, અનીતિ અને લેશ પણ કપટ સેવવું પડ્યું નથી, એમ તો નથી જ. અનેક પ્રકારનાં આરંભ અને કપટ મારે સેવવાં પડ્યાં હતાં. આપ જો ધારતા હો કે દેવોપાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તો તે જો પુણ્ય ન હોય તો કોઈ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહારંભ, કપટ અને માનપ્રમુખ વધારવા તે મહાપાપનાં કારણ છે; પાપ નરકમાં નાખે છે. પાપથી આત્મા, પામેલો મહાન મનુષ્યદેહ એળે ગુમાવી દે છે. એક તો જાણે પુણ્યને ખાઈ જવાં, બાકી વળી પાપનું બંધન કરવું, લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભોગવવી તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય. મેં જે કારણથી લક્ષ્મી ઉપાર્જન કરી હતી, તે કારણ મેં આગળ આપને જણાવ્યું હતું. જેમ આપની ઇચ્છા હોય તેમ કરો. આપ વિદ્વાન છો, હું વિદ્વાનને ચાહું છું. આપની અભિલાષા હોય તો ધર્મધ્યાનમાં પ્રસક્ત થઈ સહકુટુંબ અહીં ભલે રહો. આપની ઉપજીવિકાની સરળ યોજના જેમ કહો તેમ હું રુચિપૂર્વક કરાવી આપું. અહીં શાસ્ત્રાધ્યયન અને વસ્તુનો ઉપદેશ કરો. મિથ્યારંભોપાધિની લોલુપતામાં હું ધારું છું કે ન પડો, પછી આપની જેવી ઇચ્છા. પંડિત - આપે આપના અનુભવની બહુ મનન કરવા જેવી આખ્યાયિકા કહી. આપ અવશય કોઈ મહાત્મા છો. પુણ્યાનુબંધી પુણ્યવાન જીવ છો; વિવેકી છો; આપની શક્તિ અદભુત છે; હું દરિદ્રતાથી કંટાળીને જે ઇચ્છા રાખતો હતો તે એકાંતિક હતી. આવા સર્વ પ્રકારના વિવેકી વિચાર મેં કર્યા નહોતા. આવો અનુભવ, આવી વિવેકશક્તિ હું ગમે તેવો વિદ્વાન છું છતાં મારામાં નથી જ. એ હું સત્ય જ કહું છું. આપે મારે માટે જે યોજના દર્શાવી તે માટે આપનો બહુ ઉપકાર માનું છું; અને નમ્રતાપૂર્વક એ હું અંગીકાર કરવા હર્ષ બતાવું છું. હું ઉપાધિને ચાહતો નથી. લક્ષ્મીનો ફંદ ઉપાધિ જ આપે છે. આપનું અનુભવસિદ્ધ કથન મને બહુ રુચ્યું છે. સંસાર બળતો જ છે, એમાં સુખ નથી. આપે નિરુપાધિક મુનિસુખની પ્રશંસા કહી તે સત્ય છે. તે સન્માર્ગ પરિણામે સર્વોપાધિ, આધિ, વ્યાધિ અને સર્વ અજ્ઞાનભાવ રહિત એવા શાશ્વત મોક્ષનો હેતુ છે.