________________ શિક્ષાપાઠ 60. ધર્મના મતભેદ-ભાગ 3 જો એક દર્શન પૂર્ણ અને સત્ય ન હોય તો બીજા ધર્મમતને અપૂર્ણ અને અસત્ય કોઈ પ્રમાણથી કહી શકાય નહીં. એ માટે થઈને જે એક દર્શન પૂર્ણ અને સત્ય છે તેનાં તત્ત્વપ્રમાણથી બીજા મતોની અપૂર્ણતા અને એકાંતિકતા જોઈએ. એ બીજા ધર્મમતોમાં તત્ત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષ્મ વિચારો નથી. કેટલાક જગકર્તાનો બોધ કરે છે. પણ જગકર્તા પ્રમાણ વડે સિદ્ધ થઈ શકતો નથી. કેટલાક જ્ઞાનથી મોક્ષ છે એમ કહે છે તે એકાંતિક છે; તેમજ ક્રિયાથી મોક્ષ છે એમ કહેનારા પણ એકાંતિક છે. જ્ઞાન, ક્રિયા એ બન્નેથી મોક્ષ કહેનારા તેના યથાર્થ સ્વરૂપને જાણતા નથી અને એ બન્નેના ભેદ શ્રેણિબંધ નથી કહી શક્યા એ જ એમની સર્વજ્ઞતાની ખામી જણાઈ આવે છે. સદેવતત્ત્વમાં કહેલાં અષ્ટાદશ દૂષણોથી એ ધર્મમતસ્થાપકો રહિત નહોતા એમ એઓનાં ગૂંથેલાં ચરિત્રો પરથી પણ તત્વની દ્રષ્ટિએ દેખાય છે. કેટલાક મતોમાં હિંસા, અબ્રહ્મચર્ય ઇ0 અપવિત્ર વિષયોનો બોધ છે તે તો સહજમાં અપૂર્ણ અને સરાગીનાં સ્થાપેલાં જોવામાં આવે છે. કોઈએ એમાં સર્વવ્યાપક મોક્ષ, કોઈએ કંઈ નહીં એ રૂપ મોક્ષ, કોઈએ સાકાર મોક્ષ અને કોઈએ અમુક કાળ સુધી રહી પતિત થવું એ રૂપે મોક્ષ માન્યો છે, પણ એમાંથી કોઈ વાત તેઓની સપ્રમાણ થઈ શકતી નથી. “એઓના અપૂર્ણ વિચારોનું ખંડન યથાર્થ જોવા જેવું છે અને તે નિર્ગથ આચાર્યોનાં ગૂંથેલાં શાસ્ત્રોથી મળી શકશે.’ વેદ સિવાયના બીજા મતોના પ્રવર્તકો, એમના ચરિત્રો, વિચારો ઇત્યાદિક વાંચવાથી અપૂર્ણ છે એમ જણાઈ આવે છે. “વેદે, પ્રવર્તક ભિન્ન ભિન્ન કરી નાંખી બેધડકતાથી વાત મર્મમાં નાંખી ગંભીર ડોળ પણ કર્યો છે. છતાં એમના પુષ્કળ મતો વાંચવાથી એ પણ અપૂર્ણ અને એકાંતિક જણાઈ આવશે.” જે પૂર્ણ દર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નીરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે. એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. કાળભેદ છે તોપણ એ વાત સૈદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ક્રિયાદિ એના જેવાં પૂર્ણ એક્કેએ વર્ણવ્યાં નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કોટિઓ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિગતિ, યોનિદ્વાર, પ્રદેશ, કાળ, તેનાં સ્વરૂપ એ વિષે એવો સૂક્ષ્મ બોધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા થાય. કાળભેદે પરંપરાસ્નાયથી કેવળજ્ઞાનાદિ જ્ઞાનો જોવામાં નથી આવતાં છતાં જે જે જિનેશ્વરનાં રહેલાં સૈદ્ધાંતિક વચનો છે તે અખંડ છે. તેઓના કેટલાક સિદ્ધાંતો એવા સૂક્ષ્મ છે કે, જે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય તેવું છે. આગળ પર કેટલુંક એ સંબંધી કહેવાનું છે. જિનેશ્વરનાં કહેલાં ધર્મતત્ત્વથી કોઈ પણ પ્રાણીને લેશ ખેદ ઉત્પન્ન થતો નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વાત્મશક્તિનો પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદો વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ અતિ સૂક્ષ્મ વિચાર 1 ‘એઓના વિચારોનું અપૂર્ણપણે નિઃસ્પૃહ તત્વવેત્તાઓએ દર્શાવ્યું છે તે યથાસ્થિત જાણવું યોગ્ય છે.' 2 વર્તમાનમાં જે વેદો છે તે ઘણા પ્રાચીન ગ્રંથો છે તેથી તે મતનું પ્રાચીનપણું છે. પરંતુ તે પણ હિંસાએ કરીને દૂષિત હોવાથી અપૂર્ણ છે, તેમજ સરાગીનાં વાક્ય છે એમ સ્પષ્ટ જણાય છે.'