________________ શિક્ષાપાઠ 57. વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું. તેને જો લોહીથી ધોઈએ તો તે ધોઈ શકનાર નથી, પરંતુ વિશેષ રંગાય છે. જો પાણીથી એ વસ્ત્ર ધોઈએ તો તે મલિનતા જવાનો સંભવ છે. એ દ્રષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લોહીથી મલિન થયો છે. મલિનતા રોમ રોમ ઊતરી ગઈ છે ! એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તો તે ટળી શકે નહીં. લોહીથી જેમ લોહી ધોવાતું નથી, તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી એ જાણે નિશ્ચયરૂપ છે. અનેક ધર્મમતો આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવયનું છે કે, જ્યાં સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ કર્યો હોય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હોય, રંગ, રાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું તત્વ બતાવ્યું હોય ત્યાંથી આપણા આત્માની શાંતિ નથી. કારણ કે ધર્મમત ગણીએ તો આખો સંસાર ધર્મમતયુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે. છોકરાંકૈયાં, સ્ત્રી, રંગ, રાગ, તાન, ત્યાં જાડું પડ્યું હોય છે. અને તે ઘર ધર્મમંદિર કહેવું, તો પછી અધર્મસ્થાનક કયું ? અને જેમ વર્તીએ છીએ તેમ વર્તવાથી ખોટું પણ શું ? કોઈ એમ કહે કે પેલાં ધર્મમંદિરમાં તો પ્રભુની ભક્તિ થઈ શકે છે તો તેઓને માટે ખેદપૂર્વક આટલો જ ઉત્તર દેવાનો છે કે, તે પરમાત્મતત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. ગમે તેમ હો પણ આપણે આપણા મૂળ વિચાર પર આવવું જોઈએ. તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. અહંતના કહેલાં તત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ધોનાર નિર્ગથ ગુરૂ છે. આમાં જો વૈરાગ્ય જળ ન હોય તો બધાં સાહિત્યો કંઈ કરી શકતાં નથી, માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અહંત પ્રણીત તત્વ વૈરાગ્ય જ બોધે છે, તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું.