________________ શિક્ષાપાઠ 54. અશુચિ કોને કહેવી ? જિજ્ઞાસુ - મને જૈનમુનિઓના આચારની વાત બહુ રુચી છે. એના જેવો કોઈ દર્શનના સંતોમાં આચાર નથી. ગમે તેવા શિયાળાની ટાઢમાં અમુક વસ્ત્ર વડે તેઓને રેડવવું પડે છે; ઉનાળામાં ગમે તેવો તાપ તપતાં છતાં પગમાં તેઓને પગરખાં કે માથા પર છત્રી લેવાતી નથી. ઊની રેતીમાં આતાપના લેવી પડે છે. માવજીવ ઊનું પાણી પીએ છે. ગૃહસ્થને ઘેર તેઓ બેસી શકતા નથી. શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. ફૂટી બદામ પણ પાસે રાખી શકતા નથી. અયોગ્ય વચન તેઓથી બોલી શકાતું નથી. વાહન તેઓ લઈ શકતા નથી. આવા પવિત્ર આચારો ખરે ! મોક્ષદાયક છે. પરંતુ નવ વાડમાં ભગવાને સ્નાન કરવાની ના કહી છે એ વાત તો મને યથાર્થ બેસતી નથી. સત્ય- શા માટે બેસતી નથી ? જિજ્ઞાસુ - કારણ એથી અશુચિ વધે છે. સત્ય - કઈ અશુચિ વધે છે? જિજ્ઞાસુ - શરીર મલિન રહે છે એ. સત્ય - ભાઈ, શરીરની મલિનતાને અશુચિ કહેવી એ વાત કંઈ વિચારપૂર્વક નથી. શરીર પોતે શાનું બન્યું છે. એ તો વિચાર કરો. રક્ત, પિત્ત, મળ, મૂત્ર, શ્લેષ્મનો એ ભંડાર છે. તે પર માત્ર ત્વચા છે; છતાં એ પવિત્ર કેમ થાય ? વળી સાધુએ એવું કંઈ સંસારી કર્તવ્ય કર્યું ન હોય કે જેથી તેઓને સ્નાન કરવાની આવશ્યક્તા રહે. જિજ્ઞાસુ - પણ સ્નાન કરવાથી તેઓને હાનિ શું છે ? સત્ય - એ તો સ્થૂળબુદ્ધિનો જ પ્રશ્ન છે. નાહવાથી અસંખ્યાતા જંતુનો વિનાશ, કામાગ્નિની પ્રદીપ્તતા, વ્રતનો ભંગ, પરિણામને બદલવું, એ સઘળી અશુચિ ઉત્પન્ન થાય છે અને એથી આત્મા મહામલિન થાય છે. પ્રથમ એનો વિચાર કરવો જોઈએ. શરીરની, જીવહિંસાયુક્ત જે મલિનતા છે તે અશુચિ છે. અન્ય મલિનતાથી તો આત્માની ઉજ્જવળતા થાય છે, એ તત્વવિચારે સમજવાનું છે; નાહવાથી વ્રતભંગ થઈ આત્મા મલિન થાય છે; અને આત્માની મલિનતા એ જ અશુચિ છે. જિજ્ઞાસુ - મને તમે બહુ સુંદર કારણ બતાવ્યું. સૂક્ષ્મ વિચાર કરતાં જિનેશ્વરનાં કથનથી બોધ અને અત્યાનંદ પ્રાપ્ત થાય છે. વારુ, ગૃહસ્થાશ્રમીઓને જીવહિંસા કે સંસાર કર્તવ્યથી થયેલી શરીરની અશુચિ ટાળવી જોઈએ કે નહીં ? સત્ય - સમજણપૂર્વક અશુચિ ટાળવી જ જોઈએ. જૈન જેવું એક્કે પવિત્ર દર્શન નથી, અને તે અપવિત્રતાનો બોધ કરતું નથી. પરંતુ શૌચાશૌચનું સ્વરૂપ સમજવું જોઈએ.