________________ શિક્ષાપાઠ 52. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો ? સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલુંક કહેવામાં આવ્યું છે તે તમને લક્ષમાં હશે. જ્ઞાનીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. આ વિશેષણો લગાડવા પહેલાં એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલો જણાય છે. અનંત ભવનું પર્યટન અનંતકાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક એ વડે કરીને સંસારચક્રમાં આત્મા ભમ્યા કરે છે. સંસારની દેખાતી ઈંદ્રવારણા જેવી સુંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાંખ્યો છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. મોહિનીથી સત્યસુખ અને એનું સ્વરૂપ જોવાની એણે આકાંક્ષા પણ કરી નથી. પતંગની જેમ દીપક પ્રત્યે મોહિની છે તેમ આત્માની સંસાર સંબંધે મોહિની છે. જ્ઞાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. તલ જેટલી જગ્યા પણ એ સંસારની ઝેર વિના રહી નથી. એક ભૂંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે, એટલે ચક્રવર્તીની સંસાર સંબંધમાં જેટલી મોહિની છે, તેટલી જ બલકે તેથી વિશેષ ભૂંડને છે. ચક્રવર્તી જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભોગવે છે, તેમ તેની ઉપાધિ પણ ભોગવે છે. ભૂંડને એમાંનું કશુંયે ભોગવવું પડતું નથી. અધિકાર કરતાં ઊલટી ઉપાધિ વિશેષ છે. ચક્રવર્તીનો પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ જેટલો છે, તેટલો જ તેથી વિશેષ ભૂંડનો પોતાની ભૂંડણી પ્રત્યે પ્રેમ રહ્યો છે. ચક્રવર્તી ભોગથી જેટલો રસ લે છે, તેટલો જ રસ ભૂંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીની જેટલી વૈભવની બહોળતા છે, તેટલી જ ઉપાધિ છે. ભૂંડને એના વૈભવના પ્રમાણમાં છે. બન્ને જમ્યાં છે અને બન્ને મરવાનાં છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિકતાથી, રોગથી, જરાથી બન્ને ગ્રાહિત છે. દ્રવ્ય ચક્રવર્તી સમર્થ છે, મહાપુણ્યશાળી છે, શાતા વેદની ભોગવે છે, અને ભૂંડ બિચારું અશાતા વેદની ભોગવી રહ્યું છે. બન્નેને અશાતા-શાતા પણ છે; પરંતુ ચક્રવર્તી મહા સમર્થ છે. પણ જો એ જીવનપર્યત મોહાંધ રહ્યો તો સઘળી બાજી હારી જવા જેવું કરે છે. ભૂંડને પણ તેમ જ છે. ચક્રવર્તી લાઘાપુરુષ હોવાથી ભૂંડથી એ રૂપે એની તુલના જ નથી, પરંતુ આ સ્વરૂપે છે. ભોગ ભોગવવામાં પણ બન્ને તુચ્છ છે, બન્નેનાં શરીર પર માંસાદિકનાં છે. સંસારની આ ઉત્તમોત્તમ પદવી આવી રહી ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે તો પછી બીજ સુખ શા માટે ગણવું જોઈએ ? એ સુખ નથી, છતાં સુખ ગણો તો જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુઃખ જ છે. અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ, જોઈને જ્ઞાનીઓએ આ સંસારને પૂંઠ દીધી છે તે સત્ય છે. એ ભણી પાછું વાળી જોવા જેવું નથી, ત્યાં દુ:ખ, દુઃખ ને દુ:ખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.