________________ શિક્ષાપાઠ 51. વિવેક એટલે શું ? લઘુ શિષ્યો - ભગવનઆપ અમને સ્થળે સ્થળે કહેતા આવો છો કે વિવેક એ મહાન શ્રેયસ્કર છે. વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દાવો છે. વિવેક વડે કરીને ધર્મ ટકે છે. વિવેક નથી ત્યાં ધર્મ નથી તો વિવેક એટલે શું? તે અમને કહો. ગુરૂ - આયુષ્યમનો ! સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું નામ વિવેક. લઘુ શિષ્યો - સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહેવાનું તો બધાય સમજે છે. ત્યારે મહારાજ ! એઓ ધર્મનું મૂળ પામ્યા કહેવાય ? ગુરૂ - તમે જે વાત કહો છો તેનું એક દ્રષ્ટાંત આપો જોઈએ. લઘુ શિષ્યો - અમે પોતે કડવાને કડવું જ કહીએ છીએ; મધુરાને મધુરું કહીએ છીએ, ઝેરને ઝેર ને અમૃતને અમૃત કહીએ છીએ. ગુરૂ - આયુષ્યમનો ! એ બધાં દ્રવ્ય પદાર્થ છે. પરંતુ આત્માને કઈ કડવાશ, કઈ મધુરાશ, કયું ઝેર ને કયું અમૃત છે એ ભાવપદાર્થોની એથી કંઈ પરીક્ષા થઈ શકે ? લઘુ શિષ્યો - ભગવન્! એ સંબંધી તો અમારું લક્ષ પણ નથી. ગરૂ - ત્યારે એ જ સમજવાનું છે કે જ્ઞાનદર્શનરૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને અજ્ઞાન અને અદર્શનરૂપ અસત વસ્તુએ ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિશ્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. સંસારનાં સુખો અનંતી વાર આત્માએ ભોગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહીં, અને તેને અમૃત જેવો ગયો એ અવિવેક છે; કારણ સંસાર કડવો છે; કડવા વિપાકને આપે છે, તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવો ગયો; આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણો અજ્ઞાન, અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાંખી છે તે ઓળખી ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. કહો ત્યારે હવે વિવેક એ કેવી વસ્તુ ઠરી ? લઘુ શિષ્યો - અહો ! વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક કહેવાય છે, તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ધર્મ, તત્ત્વ અને તપ એ સઘળાં વિવેક વિના ઉદય પામે નહીં એ આપનું કહેવું યથાર્થ છે. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરુષ મતભેદ અને મિથ્યાદર્શનમાં લપટાઈ રહે છે. આપની વિવેક સંબંધીની શિક્ષા અમે નિરંતર મનન કરીશું.