________________ શિક્ષાપાઠ 50. પ્રમાદ ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાય જતાં વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. “સમયે ગોયમ મા પમા' - એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો અને બીજો એ કે મેષાનમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઊભો છે. લીધો કે લેશે એમ જંજાળ થઈ રહી છે, ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે. અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વોપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. પળનો પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ધર્મકર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ધર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષો નિદ્રા, આહાર, મોજશોખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અધોગતિરૂપ પામે છે. જેમ બને તેમ યત્ના અને ઉપયોગથી ધર્મને સાધ્ય કરવો યોગ્ય છે. સાઠ ઘડીના અહોરાત્રમાં વીશ ઘડી તો નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાળીસ ઘડી ઉપાધિ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ધર્મકર્તવ્યને માટે ઉપયોગમાં લઈએ તો બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય ? પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તોપણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્વની દ્રષ્ટિએ સિદ્ધ છે !