________________ શિક્ષાપાઠ 48. કપિલમુનિ-ભાગ 3 બે માસા સોનું લેવાની જેની ઇચ્છા હતી તે કપિલ હવે તૃષ્ણા તરંગમાં ઘસડાયો. પાંચ મહોર માગવાની ઇચ્છા કરી, તો ત્યાં વિચાર આવ્યો કે પાંચથી કાંઈ પૂરું થનાર નથી. માટે પંચવીશ મહોર માગવી. એ વિચાર પણ ફર્યો. પંચવીશ મહોરથી કંઈ આખું વર્ષ ઊતરાય નહીં, માટે સો મહોર માગવી. ત્યાં વળી વિચાર ફર્યો. સો મહોરે બે વર્ષ ઊતરી, વૈભવ ભોગવી, પાછાં દુઃખનાં દુઃખ માટે એક હજાર મહોરની યાચના કરવી ઠીક છે; પણ એક હજાર મહોરે છોકરાંકૈયાના બે ચાર ખર્ચ આવે કે એવું થાય તો પૂરું પણ શું થાય ? માટે દશ હજાર મહોર માગવી કે જેથી જિંદગી પર્યત પણ ચિંતા નહીં. ત્યાં વળી ઈચ્છા ફરી. દશ હજાર મહોર ખવાઈ જાય એટલે પછી મૂડી વગરના થઈ રહેવું પડે. માટે એક લાખ મહોરની માગણી કરું કે જેના વ્યાજમાં બધા વૈભવ ભોગવું, પણ જીવ ! લક્ષાધિપતિ તો ઘણાય છે. એમાં આપણે નામાંકિત ક્યાંથી થવાના ? માટે કરોડ મહોર માગવી કે જેથી મહાન શ્રીમંતતા કહેવાય. વળી પાછો રંગ ફર્યો. મહાન શ્રીમંતતાથી પણ ઘેર અમલ કહેવાય નહીં. માટે રાજાનું અર્થે રાજ્ય માગવું. પણ જો અર્ધ રાજ્ય માગીશ તોય રાજા મારા તુલ્ય ગણાશે; અને વળી હું એનો યાચક પણ ગણાઈશ. માટે માગવું તો આખું રાજ્ય માગવું. એમ એ તૃષ્ણાંમાં ડૂખ્યો; પરંતુ તુચ્છ સંસારી એટલે પાછો વળ્યો. ભલા જીવ ! આપણે એવી કૃતઘ્નતા શા માટે કરવી પડે કે જે આપણને ઇચ્છા પ્રમાણે આપવા તત્પર થયો તેનું જ રાજ્ય લઈ લેવું અને તેને જ ભ્રષ્ટ કરવો ? ખરું જોતાં તો એમાં આપણી જ ભ્રષ્ટતા છે. માટે અર્થે રાજ્ય માગવું, પરંતુ એ ઉપાધિયે મારે નથી જોઈતી. ત્યારે નાણાંની ઉપાધિ પણ ક્યાં ઓછી છે ? માટે કરોડ લાખ મૂકીને સો બસે મહોર જ માગી લેવી. જીવ, સો બસેં મહોર હમણાં આવશે તો પછી વિષય વૈભવમાં વખત ચાલ્યો જશે, અને વિદ્યાભ્યાસ પણ ધર્યો રહેશે; માટે પાંચ મહોર હમણાં તો લઈ જવી, પછીની વાત પછી. અરે ! પાંચ મહોરનીયે હમણાં કંઈ જરૂર નથી, માત્ર બે માસા સોનું લેવા આવ્યો હતો તે જ માગી લેવું. આ તો જીવ બહુ થઈ. તૃષ્ણાસમુદ્રમાં તેં બહુ ગળકાં ખાધાં. આખું રાજ્ય માગતાં પણ તૃષ્ણા છીપતી નહોતી, માત્ર સંતોષ અને વિવેકથી તે ઘટાડી તો ઘટી. એ રાજા જો ચક્રવર્તી હોત તો પછી હું એથી વિશેષ શું માગી શકત ? અને વિશેષ જ્યાં સુધી ન મળત ત્યાં સુધી મારી તૃષ્ણા સમાત પણ નહીં; જ્યાં સુધી તૃષ્ણા સમાત નહીં ત્યાં સુધી હું સુખી પણ ન હોત. એટલેથીયે મારી તૃષ્ણા ટળે નહીં તો પછી બે માસાથી કરીને ક્યાંથી ટળે ? એનો આત્મા સવળીએ આવ્યો અને તે બોલ્યો, હવે મારે બે માસાનું પણ કંઈ કામ નથી; બે માસાથી વધીને હું કેટલે સુધી પહોંચ્યો ! સુખ તો સંતોષમાં જ છે. તૃષ્ણા એ સંસારવૃક્ષનું બીજ છે. એનો હે જીવ, તારે શું ખપ છે ? વિદ્યા લેતાં તું વિષયમાં પડી ગયો; વિષયમાં પડવાથી આ ઉપાધિમાં પડ્યો; ઉપાધિ વડે કરીને અનંત તૃષ્ણાસમુદ્રના તરંગમાં તું પડ્યો. એક ઉપાધિમાંથી આ સંસારમાં એમ અનંત ઉપાધિ વેઠવી પડે છે. આથી એનો ત્યાગ કરવો ઉચિત છે. સત્ય સંતોષ જેવું નિરુપાધિ સુખ એક્ટ નથી. એમ વિચારતાં વિચારતાં તૃષ્ણા શમાવવાથી તે કપિલનાં અનેક આવરણ ક્ષય થયાં. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત અને બહુ વિવેકશીલ થયું. વિવેકમાં ને વિવેકમાં ઉત્તમ જ્ઞાન વડે તે સ્વાત્માનો વિચાર કરી શક્યો. અપૂર્વશ્રેણિએ ચઢી તે કૈવલ્યજ્ઞાનને પામ્યો કહેવાય છે.