________________ શિક્ષાપાઠ 42. ભિખારીનો ખેદ-ભાગ 2 જુએ છે તો જે સ્થળે પાણીનો ખોખરો ઘડો પડ્યો હતો તે સ્થળે તે ઘડો પડ્યો છે, જ્યાં ફાટીતૂટી ગોદડી પડી હતી ત્યાં જ તે પડી છે. પોતે જેવાં મલિન અને ગોખજાળીવાળાં કપડાં ધારણ કર્યાં હતાં તેવાં ને તેવાં શરીર ઉપર તે વસ્ત્રો બિરાજે છે. નથી તલભાર વધ્યું કે નથી જવભાર ઘટ્યું. નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહેલ કે નથી તે પલંગ; નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદારો; નથી તે સ્ત્રીઓ કે નથી તે વસ્ત્રાલંકારો; નથી તે પંખા કે નથી તે પવન; નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા; નથી તે સુખ વિલાસ કે નથી તે મદોન્મત્તતા; ભાઈ તો પોતે જેવા હતા તેવા ને તેવા દેખાયા. એથી તે દેખાવ જોઈને તે ખેદ પામ્યો. સ્વપ્નામાં મેં મિથ્યા આડંબર દીઠો. તેથી આનંદ માન્યો; એમાંનું તો અહીં કશુંયે નથી. સ્વપ્નાના ભો ભોગવ્યા નહીં; અને તેનું પરિણામ જે ખેદ તે હું ભોગવું છું. એમ એ પામર જીવ પશ્ચાત્તાપમાં પડી ગયો. અહો ભવ્યો ! ભિખારીના સ્વપ્ના જેવાં સંસારનાં સુખ અનિત્ય છે. સ્વપ્નામાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા અને આનંદ માન્યો તેમ પામર પ્રાણીઓ સંસારસ્વપ્નના સુખસમુદાયમાં આનંદ માને છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં મિથ્યા જણાયા તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નાના ભોગ ન ભોગવ્યા છતાં જેમ ભિખારીને ખેદની પ્રાપ્તિ થઈ, તેમ મોહાંધ પ્રાણીઓ સંસારમાં સુખ માની બેસે છે; અને ભોગવ્યા સમ ગણે છે; પરંતુ પરિણામે ખેદ, દુર્ગતિ અને પશ્ચાત્તાપ લે છે. તે ચપળ અને વિનાશી છતાં સ્વપ્નના ખેદ જેવું તેનું પરિણામ રહ્યું છે. એ ઉપરથી બુદ્ધિમાન પુરુષો આત્મહિતને શોધે છે. સંસારની અનિત્યતા પર એક કાવ્ય છે કેઃ (ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચિયે ત્યાં ક્ષણનો પ્રસંગ ? વિશેષાર્થ:- લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે, પતંગનો રંગ જેમ ચાર દિવસની ચટકી છે; તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીનાં મોજાં જેવું છે. પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા, અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇંદ્રના ધનુષ્ય જેવા છે, જેમ ઇંદ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે. ટૂંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે. એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે, માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર ! એ બોધ યથાર્થ છે.