SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષાપાઠ 39. સામાયિકવિચાર-ભાગ 3 એકાગ્રતા અને સાવધાની વિના એ બત્રીશ દોષમાંના અમુક દોષ પણ આવી જાય છે. વિજ્ઞાનવેત્તાઓએ સામાયિકનું જઘન્ય પ્રમાણ બે ઘડીનું બાંધ્યું છે. એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાંતિ આપે છે. કેટલાકનો એ બે ઘડીનો કાળ જ્યારે જતો નથી ત્યારે તેઓ બહુ કંટાળે છે. સામાયિકમાં નવરાશ લઈ બેસવાથી કાળ જાય પણ ક્યાંથી ? આધુનિક કાળમાં સાવધાનીથી સામાયિક કરનારા બહુ જ થોડા છે. પ્રતિક્રમણ સામાયિકની સાથે કરવાનું હોય છે ત્યારે તો વખત જવો સુગમ પડે છે. જોકે એવા પામરો પ્રતિક્રમણ લક્ષપૂર્વક કરી શકતા નથી. તોપણ કેવળ નવરાશ કરતાં એમાં જરૂર કંઈક ફેર પડે છે. સામાયિક પણ પૂરું જેઓને આવડતું નથી તેઓ બિચારા સામાયિકમાં પછી બહુ મૂંઝાય છે. કેટલાક ભારે કર્મીઓ એ અવસરમાં વ્યવહારના પ્રપંચો પણ ઘડી રાખે છે. આથી સામાયિક બહુ દોષિત થાય છે. વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. સાઠ ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે. અસંખ્યાતા દિવસથી ભરેલાં અનંતાં કાળચક્ર વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષપૂર્વક સામાયિક થવા માટે સામાયિકમાં પ્રવેશ કર્યા પછી ચાર લોગસ્સથી વધારે લોગસ્સનો કાયોત્સર્ગ કરી ચિત્તની કંઈક સ્વસ્થતા આણવી. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું. વૈરાગ્યનાં ઉત્તમ કાવ્યો બોલવાં, પાછળનું અધ્યયન કરેલું સ્મરણ કરી જવું. નૂતન અભ્યાસ થાય તો કરવો. કોઈને શાસ્ત્રાધારથી બોધ આપવો; એમ સામાયિકીકાળ વ્યતીત કરવો. મુનિરાજનો જો સમાગમ હોય તો આગમવાણી સાંભળવી અને તે મનન કરવી, તેમ ન હોય અને શાસ્ત્રપરિચય ન હોય તો વિચક્ષણ અભ્યાસી પાસેથી વૈરાગ્યબોધક કથન શ્રવણ કરવું, કિંવા કંઈ અભ્યાસ કરવો. એ સઘળી યોગવાઈ ન હોય તો કેટલોક ભાગ લક્ષપૂર્વક કાયોત્સર્ગમાં રોકવો; અને કેટલોક ભાગ મહાપુરુષોનાં ચરિત્રકથામાં ઉપયોગપૂર્વક રોકવો. પરંતુ જેમ બને તેમ વિવેકથી અને ઉત્સાહથી સામાયિકીકાળ વ્યતીત કરવો. કંઈ સાહિત્ય ન હોય તો પંચપરમેષ્ઠીમંત્રનો જાપ જ ઉત્સાહપૂર્વક કરવો. પણ વ્યર્થ કાળ કાઢી નાખવો નહીં. ધીરજથી, શાંતિથી અને યત્નાથી સામાયિક કરવું. જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્રપરિચય વધારવો. સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી સામાયિક તો સદભાવથી કરવું.
SR No.330067
Book TitleVachanamrut 0017 039 Shikshapaath
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy