________________ શિક્ષાપાઠ 36. અનાનુપૂર્વી 0. | 0 | 0 | 0 4 પિતા- આવી જાતનાં કોષ્ટકથી ભરેલું એક નાનું પુસ્તક છે તે તેં જોયું છે ? પુત્ર- હા, પિતાજી. પિતા- એમાં આડાઅવળાં અંક મૂક્યા છે, તેનું કાંઈ પણ કારણ તારા સમજવામાં છે ? પુત્ર- નહીં પિતાજી. મારા સમજવામાં નથી માટે આપ તે કારણ કહો. પિતા- પુત્ર ! પ્રત્યક્ષ છે કે મન એ એક બહુ ચંચળ ચીજ છે; અને તેને એકાગ્ર કરવું બહુ બહુ વિકટ છે. તે જ્યાં સુધી એકાગ્ર થતું નથી ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી; પાપના વિચારો ઘટતા નથી. એ એકાગ્રતા માટે બાર પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધનો ભગવાને કહ્યાં છે. મનની એકાગ્રતાથી મહા યોગની શ્રેણિએ ચઢવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે સપુરુષોએ એ એક કોષ્ટકાવલી કરી છે. પંચપરમેષ્ઠીમંત્રના પાંચ અંક એમાં પહેલા મૂક્યા છે, અને પછી લોમવિલોમસ્વરૂપમાં લક્ષબંધ એના એ પાંચ અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો કર્યા છે. એમ કરવાનું કારણ પણ મનની એકાગ્રતા પામીને નિર્જરા કરી શકે. પુત્ર- પિતાજી, અનુક્રમે લેવાથી એમ શા માટે ન થઈ શકે? પિતા- લોમવિલોમ હોય તો તે ગોઠવતાં જવું પડે અને નામ સંભારતાં જવું પડે. પાંચનો અંક મૂક્યા પછી બેનો આંકડો આવે કે “નમો લોએ સવ્વસાહૂણં' પછી - ‘નમો અરિહંતાણ’ એ વાક્ય મૂકીને ‘નમો સિદ્ધાણં' એ વાક્ય સંભારવું પડે. એમ પુનઃ પુનઃ લક્ષની દ્રઢતા રાખતાં મન એકાગ્રતાએ પહોંચે છે. અનુક્રમબંધ હોય તો તેમ થઈ શકતું નથી; કારણ વિચાર કરવો પડતો નથી. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેષ્ઠીમંત્રમાંથી નીકળીને સંસારતંત્રની ખટપટમાં જઈ પડે છે, અને વખતે ધર્મ કરતાં ધાડ પણ કરી નાખે છે, જેથી પુરુષોએ આ અનાનુપૂર્વીની યોજના કરી છે, તે બહુ સુંદર અને આત્મશાંતિને આપનારી છે.