________________ શિક્ષાપાઠ 27. યત્ના જેમ વિવેક એ ધર્મનું મૂળતત્વ છે, તેમ યત્ના એ ધર્મનું ઉપતત્ત્વ છે. વિવેકથી ધર્મતત્વ ગ્રહણ કરાય છે અને યત્નાથી તે તત્વ શુદ્ધ રાખી શકાય છે, તે પ્રમાણે વર્તન કરી શકાય છે. પાંચ સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે; પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી, છતાં જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. જિનેશ્વર ભગવંતે બોધેલી ધૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. એ યત્નાની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ઠાદિક ઇંધનનો વગર ખંખેર્યો, વગર જોયે ઉપયોગ, અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ, પૂંજ્યા પ્રમાર્યા વગર રહેવા દીધેલાં ઠામ, અસ્વચ્છ રાખેલા ઓરડા, આંગણામાં પાણીનું ઢોળવું, એંઠનું રાખી મૂકવું, પાટલા વગર ધખધખતી થાળી નીચે મૂકવી, એથી પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિક ફળ થાય છે, અને મહાપાપનાં કારણ પણ થઈ પડે છે. એ માટે થઈને કહેવાનો બોધ કે ચાલવામાં, બેસવામાં, ઊઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નાનો ઉપયોગ કરવો. એથી દ્રવ્ય અને ભાવે બન્ને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવાં, પાણી વિધિસહિત ગળાવવું, કાષ્ઠાદિક ઇંધન ખંખેરીને નાંખવાં એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમ તેમાં વિશેષ વખત જતો નથી, એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે. પ્રત્યેક કામ યત્નાપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે.