________________ શિક્ષાપાઠ 26. તત્વ સમજવું શાસ્ત્રોનાં શાસ્ત્રો મુખપાઠ હોય એવા પુરુષો ઘણા મળી શકે, પરંતુ જેણે થોડાં વચનો પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. તત્વને પહોંચી જવું એ કંઈ નાની વાત નથી. કૂદીને દરિયો ઓળંગી જવો છે. અર્થ એટલે લક્ષ્મી, અર્થ એટલે તત્વ અને અર્થ એટલે શબ્દનું બીજું નામ. આવા અર્થ શબ્દના ઘણા અર્થ થાય છે. પણ ‘અર્થ’ એટલે ‘તત્વ' એ વિષય પર અહીં આગળ કહેવાનું છે. જેઓ નિર્ગથપ્રવચનમાં આવેલા પવિત્ર વચનો મુખપાઠ કરે છે, તે તેઓના ઉત્સાહબળે સલ્ફળ ઉપાર્જન કરે છે; પરંતુ જો તેનો મર્મ પામ્યા હોય તો એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદ્ભૂત ફળ પામે છે. અભણ પુરુષ સુંદર અક્ષર અને તાણેલા મિથ્યા લીટા એ બેના ભેદને જેટલું જાણે છે, તેટલું જ મુખપાઠી અન્ય ગ્રંથ-વિચાર અને નિર્ગથપ્રવચનને ભેદરૂપ માને છે; કારણ તેણે અર્થપૂર્વક નિર્ગથ વચનામૃતો ધાર્યા નથી, તેમ તે પર યથાર્થ તત્વવિચાર કર્યો નથી. યદિ તત્ત્વવિચાર કરવામાં સમર્થ બુદ્ધિપ્રભાવ જોઈએ છે, તોપણ કંઈ વિચાર કરી શકે; પથ્થર પીગળે નહીં તોપણ પાણીથી પલળે; તેમ જ જે વચનામૃતો મુખપાઠ કર્યા હોય તે અર્થ સહિત હોય તો બહુ ઉપયોગી થઈ પડે; નહીં તો પોપટવાળું રામનામ. પોપટને કોઈ પરિચયે રામનામ કહેતાં શીખવાડે; પરંતુ પોપટની બલા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ. સામાન્યાર્થ સમજ્યા વગર એવું થાય છે. કચ્છી વૈયોનું દ્રષ્ટાંત એક કહેવાય છે તે કંઈક હાસ્યયુકત છે ખરું, પરંતુ એમાંથી ઉત્તમ શિક્ષા મળી શકે તેમ છે; એટલે અહીં કહી જઉં છું. કચ્છના કોઈ ગામમાં શ્રાવક ધર્મ પાળતા રાયશી, દેવશી અને ખેતશી એમ ત્રણ નામધારી ઓશવાળ રહેતા હતા. નિયમિત રીતે તેઓ સંધ્યાકાળે, અને પરોઢિયે પ્રતિક્રમણ કરતા હતા. પરોઢિયે રાયશી અને સંધ્યાકાળે દેવશી પ્રતિક્રમણ કરાવતા હતા. રાત્રિસંબંધી પ્રતિક્રમણ રાયશી કરાવતો; અને સંબંધે ‘રાયશી પડિક્કમણું ઠાર્યામિ', એમ તેને બોલાવવું પડતું. તેમજ દેવશીને દેવસી પડિક્કમણું ઠાર્યામિ', એમ સંબંધ હોવાથી બોલાવવું પડતું. યોગાનુયોગે ઘણાના આગ્રહથી એક દિવસ સંધ્યાકાળે ખેતશીને બોલાવવા બેસાર્યો. ખેતશીએ જ્યાં દેવસી પડિક્કમણું ઠાર્યામિ', એમ આવ્યું ત્યાં ખેતશી પડિક્કમણું ઠાકૅમિ', એ વાક્યો લગાવી દીધા ! એ સાંભળી બધા હાસ્યગ્રસ્ત થયા અને પૂછ્યું, આમ કાં ? ખેતશી બોલ્યોઃ વળી આમ તે કેમ ! ત્યાં ઉત્તર મળ્યો કે, ખેતશી પડિક્કમણું ઠાર્યમિ’ એમ તમે કેમ બોલો છો ? ખેતશીએ કહ્યું, હું ગરીબ છું એટલે મારું નામ આવ્યું ત્યાં પાધરી તકરાર લઈ બેઠા, પણ રાયશી અને દેવશી માટે તો કોઈ દિવસ કોઈ બોલતા પણ નથી. એ બન્ને કેમ ‘રાયશી પડિક્કમણું ઠાર્યામિ’ અને ‘દેવસી પડિક્કમણું ઠાયંમિ’ એમ કહે છે તો પછી હું ‘ખેતશી પડિક્કમણું ઠાર્યામિ' એમ કાં ન કહું? એની ભદ્રિકતાએ તો બધાને વિનોદ ઉપજાવ્યો, પછી અર્થની કારણ સહિત સમજણ પાડી, એટલે ખેતશી પોતાની મુખપાઠી પ્રતિક્રમણથી શરમાયો.