________________ શિક્ષાપાઠ 25. પરિગ્રહને સંકોચવો જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત યોગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અધોગતિનું કારણ થઈ પડે. કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે, પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી, અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે; ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે, પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુ:ખના ભોગી થયા છે. છ ખંડ સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ, ચક્રવર્તી કહેવાય છે. એ સમર્થ ચક્રવર્તીમાં સુભમ નામે એક ચક્રવર્તી થઈ ગયો. એણે છ ખંડ સાધી લીધા એટલે ચક્રવર્તીપદથી તે મનાયો; પણ એટલેથી એની મનોવાંછા તૃપ્ત ન થઈ; હજુ તે તરસ્યો રહ્યો. એટલે ધાતકી ખંડના છ ખંડ સાધવા એણે નિશ્ચય કર્યો. બધા ચક્રવર્તી છ ખંડ સાધે છે; અને હું પણ એટલા જ સાધું, તેમાં મહત્તા શાની ? બાર ખંડ સાધવાથી ચિરકાળ હું નામાંકિત થઈશ; સમર્થ આજ્ઞા જીવનપર્યત એ ખંડો પર મનાવી શકીશ; એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું, તે ઉપર સર્વ સૈન્યાદિકનો આધાર રહ્યો હતો. ચર્મરત્નના એક હજાર દેવતા સેવક કહેવાય છે, તેમાં પ્રથમ એકે વિચાર્યું કે કોણ જાણે કેટલાંય વર્ષે આમાંથી છૂટકો થશે ? માટે દેવાંગનાને તો મળી આવું, એમ ધારી તે ચાલ્યો ગયો; પછી બીજો ગયો; ત્રીજો ગયો; અને એમ કરતાં કરતાં હજારે ચાલ્યા ગયા; ત્યારે ચર્મરત્ન બૂડ્યું, અશ્વ, ગજ અને સર્વ સૈન્યસહિત સુભમ નામનો તે ચક્રવર્તી બૂડ્યો; પાપભાવનામાં ને પાપભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી સાતમી તમતમપ્રભા નરકને વિષે જઈને પડ્યો. જુઓ ! છ ખંડનું આધિપત્ય તો ભોગવવું રહ્યું; પરંતુ અકસ્માત અને ભયંકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવર્તીનું મૃત્યુ થયું, તો પછી બીજા માટે તો કહેવું જ શું ? પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપનો પિતા છે; અન્ય એકાદશવ્રતને મહા દોષ દે એવો એનો સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેનો ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું.