________________ શિક્ષાપાઠ 20. સંસારને ચાર ઉપમા-ભાગ 2 4. સંસારને ચોથી ઉપમા શકટચક્રની એટલે ગાડાનાં પૈડાંની છાજે છે. ચાલતાં શકટચક્ર જેમ ફરતું રહે છે, તેમ સંસારમાં પ્રવેશ કરતાં તે ફરતારૂપે રહે છે. શકટચક્ર જેમ ધરી વિના ચાલી શકતું નથી, તેમ સંસાર મિથ્યાત્વરૂપી ધરી વિના ચાલી શકતો નથી. શકટચક્ર જેમ આરા વડે કરીને રહ્યું છે, તેમ સંસાર શંકા, પ્રમાદાદિક આરાથી ટક્યો છે. અનેક પ્રકારથી એમ શકટચક્રની ઉપમા પણ સંસારને લાગી શકે છે. 1‘સંસારને જેટલી અધોઉપમા આપો એટલી થોડી છે. એ ચાર ઉપમા આપણે જાણી. હવે એમાંથી તત્વ લેવું યોગ્ય છે. 1. સાગર જેમ મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી તરીને પાર પમાય છે, તેમ સદ્ધર્મરૂપી નાવ અને સદગુરૂરૂપી નાવિકથી સંસારસાગર પાર પામી શકાય છે. સાગરમાં જેમ ડાહ્યા પુરુષોએ નિર્વિઘ્ન રસ્તો શોધી કાઢ્યો હોય છે, તેમ જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનરૂપ ઉત્તમ રાહ બતાવ્યો છે, જે નિર્વિઘ્ન છે. 2. અગ્નિ જેમ સર્વને ભક્ષ કરી જાય છે, પરંતુ પાણીથી બુઝાઈ જાય છે, તેમ વૈરાગ્ય જળથી સંસારઅગ્નિ બૂઝવી શકાય છે. 3. અંધકારમાં જેમ દીવો લઈ જવાથી પ્રકાશ થઈ જોઈ શકાય છે, તેમ તત્વજ્ઞાનરૂપી નિર્બઝ દીવો સંસારરૂપી અંધકારમાં પ્રકાશ કરી સત્ય વસ્તુ બતાવે છે. 4. શકટચક્ર જેમ બળદ વિના ચાલી શકતું નથી, તેમ સંસારચક્ર રાગ, દ્વેષ વિના ચાલી શકતું નથી. એમ એ સંસારદરદનું ઉપમા વડે નિવારણ અનુપાન સાથે કહ્યું. તે આત્મહિતૈષીએ નિરંતર મનન કરવું, અને બીજાને બોધવું. 1 દ્વિ. આ. પાઠા. - 1. ‘એવી રીતે સંસારને’