________________ શિક્ષાપાઠ 19. સંસારને ચાર ઉપમા-ભાગ 1 1. સંસારને મહા તત્વજ્ઞાનીઓ એક સમુદ્રની ઉપમા પણ આપે છે. સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. અહો ! લોકો ! એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો ! ઉપયોગ કરો ! આમ એમનાં સ્થળે સ્થળે વચનો છે. સંસારને સમુદ્રની ઉપમા છાજતી પણ છે. સમુદ્રમાં જેમ મોજાંની છોળો ઊછળ્યા કરે છે, તેમ સંસારમાં વિષયરૂપી અનેક મોજાંઓ ઊછળે છે. સમુદ્રના જળનો ઉપરથી જેમ સપાટ દેખાય છે, તેમ સંસાર પણ સરળ દેખાવ દે છે. સમુદ્ર જેમ ક્યાંક બહુ ઊંડો છે, અને ક્યાંક ભમરીઓ ખવરાવે છે, તેમ સંસાર કામવિષયપ્રપંચાદિકમાં બહુ ઊંડો છે, તે મોહરૂપી ભમરીઓ ખવરાવે છે. થોડું જળ છતાં સમુદ્રમાં જેમ ઊભા રહેવાથી કાદવમાં ખેંચી જઈએ છીએ, તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તૃષ્ણારૂપી કાદવમાં ખૂંચવી દે છે. સમુદ્ર જેમ નાનાં પ્રકારના ખરાબા અને તોફાનથી નાવ કે વહાણને જોખમ પહોંચાડે છે, તેમ સ્ત્રીઓરૂપી ખરાબા અને કામરૂપી તોફાનથી સંસાર આત્માને જોખમ પહોંચાડે છે. સમુદ્ર જેમ અગાધ જળથી શીતળ દેખાતો છતાં વડવાનળ નામના અગ્નિનો તેમાં વાસ છે, તેમ સંસારમાં માયારૂપી અગ્નિ બળ્યા જ કરે છે. સમુદ્ર જેમ ચોમાસામાં વધારે જળ પામીને ઊંડો ઊતરે છે, તેમ પાપરૂપી જળ પામીને સંસાર ઊંડો ઊતરે છે, એટલે મજબૂત પાયા કરતો જાય છે. 2. સંસારને બીજી ઉપમા અગ્નિની છાજે છે. અનિથી કરીને જેમ મહા તાપની ઉત્પત્તિ છે, એમ સંસારથી પણ ત્રિવિધ તાપની ઉત્પત્તિ છે. અગ્નિથી બળેલો જીવ જેમ મહા વિલવિલાટ કરે છે, તેમ સંસારથી બળેલો જીવ અનંત દુ:ખરૂપ નરકથી અસહ્ય વિલવિલાટ કરે છે. અગ્નિ જેમ સર્વ વસ્તુનો ભક્ષ કરી જાય છે, તેમ સંસારના મુખમાં પડેલાંનો તે ભક્ષ કરી જાય છે. અગ્નિમાં જેમ જેમ ઘી અને ઇંધન હોમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે, તેમ સંસારમાં તીવ્ર મોહિનીરૂપ ઘી અને વિષયરૂપ ઇંધન હોમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે 3. સંસારને ત્રીજી ઉપમા અંધકારની છાજે છે. અંધકારમાં જેમ સીંદરી સર્પનું ભાન કરાવે છે, તેમ સંસાર સત્યને અસત્યરૂપ બતાવે છે. અંધકારમાં જેમ પ્રાણીઓ આમ તેમ ભટકી વિપત્તિ ભોગવે છે, તેમ સંસારમાં બેભાન થઈને અનંત આત્માઓ ચતુર્ગતિમાં આમ તેમ ભટકે છે. અંધકારમાં જેમ કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી, તેમ સંસારરૂપી અંધકારમાં વિવેક અવિવેકનું જ્ઞાન થતું નથી. જેમ અંધકારમાં પ્રાણીઓ છતી આંખે અંધ બની જાય છે, તેમ છતી શક્તિએ સંસારમાં તેઓ મોહાંધ બની જાય છે. અંધકારમાં જેમ ઘુવડ ઇત્યાદિકનો ઉપદ્રવ વધે છે, તેમ સંસારમાં લોભ, માયાદિકનો ઉપદ્રવ વધે છે. અનેક ભેદે જોતાં સંસાર તે અંધકારરૂપ જ જણાય છે. 1 દ્વિ. આ. પાઠા. - 1, ‘તેવી જ રીતે સંસારરૂપ અગ્નિમાં તીવ્ર મોહનીરૂપ ઘી અને વિષયરૂપ ઇંધન હોમાતાં તે વૃદ્ધિ પામે છે.'