________________ શિક્ષાપાઠ 15. ભક્તિનો ઉપદેશ (તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. 1 નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. 2 સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. 3 શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો. 4 કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લહો. 5